અમદાવાદમાં પોલીસે એક મહિનામાં ચાર હજારથી વધુ હથિયાર જમા લીધા
લોકસભાની ચૂંટણી અનુસંધાનમાં પોલીસ દ્વારા કામગીરી
શહેરમાં પોલીસે ૮૪ જેટલી ચેકપોસ્ટ તૈયાર કરીઃ ૭૧ જેટલા નાસતા ફરતા આરોપીઓની ધરપકડ થઇ
અમદાવાદ,
શનિવાર
આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં પોલીસ દ્વારા અટકાયતી પગલાથી લઇને હથિયાર જમા લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં એક મહિનામાં દરમિયાન પોલીસે ૭૧ જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં કેટલાંક આરોપીઓ છેલ્લાં ૧૦ વર્ષથી વોન્ટેડ હતા. આ ઉપરાંત, પોલીસે લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિવિધ એક્શન પ્લાન બનાવીને કામગીરી કરવામાં આવી છે. જે અંગે માહિતી આપતા અમદાવાદ પોલીસ કંટ્રોલના ડીસીપી કોમલ વ્યાસે માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસ દ્વારા એક મહિના દરમિયાન દારૂ જપ્ત કરવા, વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા, હથિયાર જમા કરવા સહિતની કામગીરી કરી છે. જેમાં કુલ ૭૧ જેટલા વોન્ટેડ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ પૈકી ૧૯થી વધુ આરોપીઓ ૧૦ વર્ષથી નાસતા ફરતા હતા.આ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ કમિશનર દ્વારા ૧૮ જેટલી પોલીસની વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં ચૂંટણી પંચ સાથે મળીને વાહન ચેકિંગ કામગીરી માટે ૮૪ જેટલી ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે. જેમાં સ્થાનિક પોલીસ સાથે ચૂંટણી પંચનો સ્ટાફ પણ બંદોબસ્ત જોડાયો છે.અમદાવાદ શહેરમાં ૫૧૩૪ લોકો હથિયાર માટેનું લાયન્સ ધરાવે છે. જેમાંથી ચાર હજાર જેટલા હથિયાર જમા કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના ૧૦૧૮ લોકોને હથિયાર જમા કરાવવામાં મુક્તિ આપવામાં આવી છે.જેમાં સિક્યોરીટી ગાર્ડ અને એક્સ આર્મીના જવાનોનો સમાવેશ થાય છે. આ સાથે ગેરકાયદેસર હથિયારના ત્રણ કેસ નોંધાયા છે. પોલીસ શહેરમાંથી એક મહિનામાં ચેકિંગ દરમિયાન ૩૫ લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરાયો છે. જ્યારે ૧૭,૪૬૯ લોકો સામે અટકાયતી કામગીરી કરવામાં આવી છે. જેમાં ૯૪ લોકોને પાસા અને સાત વ્યક્તિઓને તડીપાર કરાયા હતા.