કાલુપુર રેલવે સ્ટેશન નજીકથી રૂપિયા ૧૦૦ અને ૨૦૦ની દરની બનાવટી ચલણી નોટો સાથે ત્રણ ઝડપાયા
મધ્યપ્રદેશથી બે યુવકો કુલ ૨૯૨ જેટલી બનાવટી ચલણી નોટો આપવા આવ્યા હતા
તપાસમાં અન્ય નામ ખુલ્યા
અમદાવાદ,
રવિવાર
અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી ડીસીપી ઝોન-૩ સ્ક્વોડ દ્વારા ત્રણ યુવકોને રૂપિયા ૧૦૦ અને ૨૦૦ના દરની કુલ ૨૯૨ જેટલી બનાવટી ચલણી નોટો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના બુરહાનપુરથી બે યુવકો અમદાવાદ બનાવટી ચલણી નોટો સપ્લાય કરવામાં આવ્યા હતા. આ કેસની તપાસમાં અન્ય આરોપીઓ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ડીસીપી ઝોન-૩ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે કાલુપુર રેલવે સ્ટેશનથી બે યુવકો બનાવટી ચલણી નોટો સપ્લાય કરવા માટે આવ્યા છે. જેના આધારે પોલીસે શનિવારે સાંજે વોચ ગોઠવીને સરાફતહુસૈન અંસારી અને ફરદીનખાન પઠાણ (બંને રહે. બુરહાનપુર, મધ્યપ્રદેશ) તેમજ સંજય ખખરાણી (રહે. કુબેરનગર)ને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન સરાફતહુસૈન અને ફરદીન પાસેથી પોલીસને રૂપિયા ૧૦૦ ના દરની ૧૭૩ અને રૂપિયા ૨૦૦ના દરની ૧૧૪ બનાવટી ચલણી નોટો મળી આવી હતી. જેની સંજય ખખરાણીને આપવાની હતી. વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે મોહંમદ હકીમ અંસારીએ તેમને આ બનાવટી નોટો લઇને અમદાવાદ મોકલ્યા હતા. જે તેમની પાસેથી લઇને સંજય નામનો વ્યક્તિ કુબેરનગરમાં રહેતા અમર દંતાણીને આપવાનો હતો. ઝડપાયેલા યુવકો અગાઉ પણ બનાવટી ચલણી નોટો સપ્લાય કરી ચુક્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.