તંમાકુની પ્રોડક્ટ અને ભીક્ષાવૃતિ કરતા બાળકોને રેસ્ક્યુ કરવા પોલીસની ડ્રાઇવ
ગેરકાયદેસર કામોમાં સગીરોનો ઉપયોગ થતો હોવાની આશંકા
ગુજરાત યુનિવર્સિટી નજીકથી ચાર બાળકોને છોડાવીને ગુના નોંધવામાં આવ્યાઃ એક મહિના સુધી ડ્રાઇવ ચલાવવામાં આવશે
અમદાવાદ,શનિવાર
શહેરના વિવિધ વિસ્તારમાં બાળકોને પાનના ગલ્લા પર નોકરી અપાવીને તેમની પાસે તંમાકુને લગતી પ્રોડક્ટનું વેચાણ કરાવવાથી માંડીને મોટા પ્રમાણમાં ભીક્ષાવૃતિ કરાવવામાં આવતી હોવાની અનેક ફરિયાદો પોલીસને મળી હતી. જેથી આ અનુસંધાનમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં બે દિવસ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી પોલીસે ચાર બાળકોને રેસ્કયુ કરીને ગુનો નોંધ્યા હતા. અમદાવાદમાં નાના બાળકાનો ભીક્ષાવૃતિ માટે મોટાપ્રમાણમાં ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાના અનેક કિસ્સા અગાઉ સામે આવી ચુક્યા છે. જેમા બાળકોને ડ્રગ્સની હેરફેરમાં તેમજ તેમની આર્થિક સ્થિતિનો ગેરલાભ લઇને તેમની પાસે મજુરી કરાવવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. જે અનુંસધાનમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પાન મસાલાની શોપ પરથી ચાર બાળકોને પોલીસે રેસક્યુ કર્યા હતા. આ અંગે મહિલા ક્રાઇમબ્રાંચના એસીપી હિમાલા જોશીએ જણાવ્યું કે હાલ મહિલા ક્રાઇમબ્રાંચની એક ટીમ અને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની અલગ અલગ ટીમ દ્વારા ગુજરાત યુનિવર્સિટી અને આસપાસના વિસ્તારમાં કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરના અલગ પોઇન્ટને અલગ તારવીને એક મહિના દરમિયાન ડ્રાઇવ ચલાવવામાં આવશે.રેસ્ક્યુ કરવામાં આવેલા બાળકોને ચાઇલ્ડ વેલફેર બોર્ડ સમક્ષ રજૂ કરીને તેમની વિગતો તપાસ્યા બાદ રિપોર્ટ કરવામાં આવશે. જેના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.