Get The App

સાયબર ક્રાઇમને કાબુમાં લેવા પોલીસે જરૂરી પગલા ભરવા સુચના

પોલીસની ક્રાઇમ કોન્ફરન્સમાં કામગીરીના લેખાજોખા

એક વર્ષ દરમિયાન ટ્રાફિકને લગતા ગુના ૨૨૫ ટકા જેટલા વધ્યાઃ ચૂંટણી ગાઇડલાઇનનું પાલન કરવા તાકીદ

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
સાયબર ક્રાઇમને કાબુમાં લેવા પોલીસે જરૂરી પગલા ભરવા સુચના 1 - image

અમદાવાદ,ગુરૂવાર

અમદાવાદ શહેરમાં થતી ગુનાખોરી અને પોલીસની કામગીરીના લેખાજોખા કરવા માટે ગુરૂવારે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ હતી.જેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન શહેરમાં નોંધવામાં આવેલા ગુનાઓની લગતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને સાયબર ક્રાઇમના વધતા ગુના પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે. જેથી સાયબર ક્રાઇમને કાબુમાં લેવા માટે જરૂરી એક્શન પ્લાન તૈયાર કરવા માટે પોલીસ કમિશનરે તાકીદ કરી હતી. સાથેસાથે એક વર્ષમાં ટ્રાફિકને લગતા ગુનાઓમાં ૨૨૫ ટકા વધારો   નોંધાયો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક તેમજ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં છેલ્લાં એક વર્ષ દરમિયાન શહેરમાં નોંધાયેલા ગુનાઓને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં શરીર સંબધી ગુનાઓમાં હત્યા, હત્યાની કોશિષ, ઇજા, અપહરણ સહિતના ગુનાઓમાં સરેરાશ ઘટાડો થયો છે. તેમજ ચોરીના ગુનાઓમાં પણ ઘટાડો નોંધાયો છે.  પરંતુ, પોલીસ માટે સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં સતત થઇ રહેલો વધારો ચિંતાનોે વિષય બન્યો હતો. પોલીસ કમિશનરે જણાવ્યું કે વધતા સાયબર ક્રાઇમને રોકવા માટે લોકોની જાગૃતિ ખુબ જ જરૂરી છે. કારણ કે પ્રતિદિન લોકો લલચામણી જાહેરાતનો ભોગ બનીને લાખો-કરોડો રૂપિયા ગુમાવે છે. જેથી લોકો જાગૃત થાય તે માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવા માટે સુચના આપવામાં આવી છે. જ્યારે ટ્રાફિકના ગુનાઓમાં થયેલા વધારા અંગે તેમણે જણાવ્યું કે  અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સ્ટેશન શરૂ થતા ટ્રાફિકની નિયમોનો ભંગ કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ટ્રાફિક વિભાગમાં નોંધવામાં આવતા ગુનાઓમાં ૨૨૬ ટકાનો વધારો થયો છે. અન્ય ગુનાઓની વાત કરીએ તો એક વર્ષમાં ચોરીના ૧૦૪૪  કેસ નોંધાયા હતા. જેમાં ૨૫૫ ગુનાઓના જ ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ત્યારે ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં પણ પોલીસને ધારી સફળતા મળી નથી.


Google NewsGoogle News