પોલીસને ૧૬૬ રોકાણકારો સાથેના કરોડો રૂપિયાના રોકાણના કરારની કોપી મળી
માસિક ૪ ટકા વળતરના નામે ૧.૬૧ કરોડની ઠગાઇનો મામલો
નરોડા અને બાપુનગરમાં ઓફિસ ખોલીને અનેક લોકોને છેતર્યાઃ મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા
અમદાવાદ,ગુરૂવાર
શહેરના નરોડા અને બાપુનગરમાં
એમસ્ટ્ેડ કેપીટલ નામની કંપની ખોલીને રોકાણ પર માસિક ચાર ટકાના વળતરની ગેંરટી આપીને
અનેક લોકો પાસેથી રૂપિયા ૧.૬૧ કરોડની છેતરપિંડી કરનાર એક મહિલા અને તેના પતિ તેમજ દિયરને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓને સાથે
રાખીને નાના ચિલોડામાં આવેલા મકાનમાં તપાસ કરતા પોલીસને રોકાણકારો સાથે થયેલા ૧૬૬ જેટલા
કરાર મળી આવ્યા હતા. જેમાં કરોડો રૂપિયાનું રોકાણ થયાનું સામે આવ્યું છે.
શહેરના નરોડા વિસ્તારમાં રહેતા સુજલભાઇ સોંલંકી નામના વકીલે અમદાવાદ ક્રાઇમબ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી કે અમિત પ્રજાપતિ તેની પત્ની સંધ્યા અને અમિતના ભાઇ નિલેશ પ્રજાપતિએ નરોડા રોડ પર આવેલી અરવિંદ મેગા ટ્રેન્ડ સેન્ટર અને પુષ્કર બિઝનેસ પાર્કમાં એમસ્ટ્ેડના નામે ઓફિસ ખોલીને રોકાણકારોને માસિક ચાર વળતરની ખાતરી આપીને અનેક લોકો સાથે ૧.૬૧ કરોડની છેતરપિંડી આચરી હતી. જે અનુસંધાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી એમ વસાવા અને તેમના સ્ટાફે અમિત , સંધ્યા અને નિલેશ પ્રજાપતિની ધરપકડ કરીને નાના ચિલોડામાં આવેલા કોરલ બંગ્લોઝમાં તપાસ હતી. જેમાં પોલીસને તપાસ દરમિયાન ૨.૩૮ લાખની રોકડ ઉપરાંત, ૧૬૬ જેટલા રોકાણકારો સાથે કરવામાં આવેલા કરારોની કોપી મળી આવી હતી.
આ રોકાણ કરારમાં આરોપીઓએ લોકો પાસેથી કરોડો રૂપિયાની રકમ ઉઘરાવી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેથી આગામી સમયમાં છેતરપિંડીનો આંક કરોડો રૂપિયાનો થવાની સંભાવના છે. આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓએ આ કૌભાંડમાં ભોગ બનેલા લોકોને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.