એક મહિના પહેલા સગીરાએ વિડીયો કોલ દરમિયાન આત્મહત્યા કરી હતી
પાલનપુર પાસે મળી આવેલી મૃતક સગીરાના મોતનો ભેદ ઉકેલાયો
સગીરાને યુવક પંજાબથી ભગાડીને અમદાવાદ લાવ્યો હતોઃ પાલનપુર નજીકથી સગીરાનો મૃતદેહ મળી આવતા પોલીસે તેના પિતાને જાણ કરીને સોંપ્યો હતો
અમદાવાદ,ગુરૂવાર
આશરે એક મહિના પહેલા પાલનપુર પોલીસને એક ૧૭ વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પોલીસે કેટલાંક પુરાવાને આધારે સગીરાના પિતાનો સંપર્ક કરીને અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. બાદમાં મૃતદેહ સોંપી દેતા તેમણે અંતિમ સંસ્કાર કર્યા હતા. પરંતુ, આ સમગ્ર ઘટનામાં પોલીસને એક એમ્બ્યુલન્સ ડ્રાઇવરે કંઇક શંકાસ્પદ હોવાની બાતમી આપતા સમગ્ર મામલાનો ભેદ ઉકેલાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે સગીરાને એક યુવક લગ્નની લાલચ આપીને અમદાવાદ ઘાટલોડિયા ભગાડી લાવ્યો હતો. જ્યાં તેને ઝઘડો થતા યુવક રાજસ્થાન જતો રહ્યો હતો. જ્યાં સગીરાએ વિડીયો કોલ દરમિયાન જ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. જેથી ડરી ગયેલા યુવકે તેના મિત્રને સગીરાનો મૃતદેહ લઇને રાજસ્થાન આવવા માટે કહ્યું હતું. પરંતું, એમ્બ્યુલન્સ ન મળતા તે કારમાં મૃતદેહને લઇને નીકળ્યો હતો. જો કે ચેકપોસ્ટ પર સઘન બંદોબસ્ત હોવાથી તેણે પાલનપુર પાસે જ સગીરાના મૃતદેહને ફેંકી દીધો હતો. આ સમગ્ર મામલે સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.આ સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે મુળ બિહારના શિવાનના વતની રૂદલ યાદવની ૧૭ વર્ષની પુત્રીને ગુડ્ડ ઉર્ફે સુદુલ યાદવ લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો. જો કે પુત્રીની ભાળ મળી નહોતી. બીજી તરફ ગત ૬ એપ્રિલના રોજ રૂદલ યાદવને પાલનપુર સીટી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે તમારી પુત્રીનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી તે ત્યા પહોંચ્યા હતા અને પુત્રીના મૃતદેહનો કબ્જો લઇને અંતિમ સંસ્કાર કર્યા હતા. જો કે આ દરમિયાન અમદાવાદ સોલા પોલીસને એક એમ્બ્યુલન્સના ડ્રાઇવરે બાતમી આપી હતી કે ગત ૪ એપ્રિલના રોજ તેને એક વ્યક્તિનો કોલ આવ્યો હતો કે યુવતીનો મૃતદેહ રાજસ્થાન લઇ જવાનો છે. જેથી ઘાટલોડિયા ભાગ્યોદય સોસાયટીમાં પર ગયો હતો. જ્યાં રાજકિશોર નામના યુવકે યુવતીનો મૃતદેહ લઇ જવા માટે કહ્યું હતું. પરંતુ, મરણનું પ્રમાણપત્ર કે અન્ય કાગળો ન હોવાથી એમ્બ્યુલન્સના ડ્રાઇવરે મૃતદેહ લઇ જવાનો ઇન્કાર કર્યો હતો. આ બાતમીને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પાલનપુર પોલીસનો સંપર્ક કરીને મૃતકના પિતાને બોલાવીને તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન જાણવા મળ્યું હતું કે સુદુલ યાદવ સગીરાને લઇને અમદાવાદ ભાડાના મકાનમાં રહેતો હતો. પરંતુ, ગત ૩ જી એપ્રિલના રોજ બંને વચ્ચે ઝઘડા થયો હતો. જેથી સુદુલ યાદવ રાજસ્થાન જતો રહ્યો હતો. જ્યાં સગીરાએ વિડીયો કોલ કર્યો હતો અને ગુસ્સામાં આવીને ચાલુ વિડીયો કોલ પર જ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ સુદુલ ડરી ગયો હતો અને તેણે તેના મિત્ર રાજકિશોરને સગીરાનો મૃતદેહ રાજસ્થાન સુધી પહોંચતો કરવા માટે કહ્યું હતું. પરંતુ. એમ્બ્લુસન્સના ડ્રાઇવરે આવવાની ના કહેતા કે કારમાં જ મૃતદેહ લઇને નીકળ્યો હતો. પરંતુ, રસ્તામાં પોલીસનું ચેકિંગ હોવાથી તેણે મૃતદેહને રસ્તામાં ફેંકી દીધો હતો. આમ, સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. જેના આધારે સોલા પોલીસે સગીરાના પિતાની ફરિયાદને આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.