ન્યુ એલ જે કોલેજ પાસે ગેરકાયદેસર ચાલતા સવાર સુધી કાફે સીલ કરાયું
કોઇ પરમીશન વિના આખી રાત કાફે ચાલતું હતું
બોડકદેવ પોલીસે કાફેમા સંચાલકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરીઃ ગેરકાયદેસર રીતે ચાલતા અનેક કાફે
અમદાવાદ,
સોમવાર
રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ફાયર એનઓસી સહિત વિના ચાલતા રેસ્ટોરન્ટ અને કાફે સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસે અગાઉ સિંઘુભવન રોડ પર આવેલા કાસાનોવા લોંજ સામે કાર્યવાહી બાદ ન્યુ એલ જે કોલેજ પાસે આવેલા સવાર સુધી નામના કાફેને સીલ કરવામાં આવ્યું છે. જે અનુસંધાનમાં બોડકદેવ પોલીસે ગુનો નોંધ્યો છે. રાજકોટમાં ગેમઝોનમાં આગની ઘટના બાદ ફાયર એનઓસી વિના ચાલતા વિવિધ રેસ્ટોરન્ટ, કાફે , થિયેટર તેમજ ગેમઝોન અંગે તપાસ કરવામાં આવી રહી છે. જે અનુસંધાનમાં અમદાવાદમાં ચાલતા કાફેમાં તપાસ કરવા માટે સેક્ટર-૧ના એડીશનલ પોલીસ કમિશનર નીરજ બડગુજર દ્વારા સુચના આપવામાં આવી હતી. ત્યારે બોડકદેવ પોલીસે ન્યુ એલ જે કોલેજ પાસે આવેલા સવાર સુધી નામના કાફેમાં તપાસ કરી હતી. જો કે કાફેેનો સંચાલક આશિષ ઠક્કર (રહે. નિર્મલ એપાર્ટમેન્ટ, સોલા રોડ, નારણપુરા) ફાયર એનઓસી કે અન્ય પરમીશન રજુ કરી શક્યા નહોતા.જેના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે સિંધુભવન રોડ પર બે દિવસ પહેલા પોલીસની મેગા ડ્રાઇવ દરમિયાન કાસાનોવા લોંજ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અનેક કાફે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસની ડ્રાઇવમાં અન્ય ખુલાસા થવાની શક્યતા છે.