પોલીસ કમિશનરે માત્ર બે દિવસમાં જ પેન્શનની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી
દસ્તાવેજોને કારણે અઢી વર્ષથી પેન્શન અટક્યું હતું
પોલીસ કર્મચારીનું ૨૦૨૧માં હાર્ટ એટેકના કારણે અવસાન થયા બાદ પેન્શન માટેની અનેક રજૂઆત થઇ હતી
અમદાવાદ,બુધવાર
અમદાવાદ શહેરમાં પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા એક નિવૃત પોલીસ કર્મચારીનું વર્ષ ૨૦૨૧માં ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા મરણ થયું હતું. તેમના મરણ બાદ તેમના પત્નીએ પેન્શન મળે તે માટે વિવિધ શાખામાં રજૂઆત કરી હતી. જો કે કેટલાંક કાગળોને કારણે પેન્શનનું કામ આગળ વધતુ નહોતુ. આ વાત પોલીસ કમિશનરના ધ્યાન પર આવતા તેમણે સ્પેશીયલ બ્રાંચના એસીપી રીમા મુનસીને તાકીદે પેન્શનનો પ્રશ્ન હલ કરવાનું કહીને માત્ર બે દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરાવી હતી. જેના કારણે આગામી મહિનાથી પરિવારને નિયમિત પેન્શન મળતું થઇ જશે. શહેરના ચાંદખેડામાં રહેતા દેવદાસભાઇ નગરકર પોલીસ હેડક્વાટર્સમાં ફરજ બજાવતા હતા અને તે ૨૦૧૧માં નિવૃત થયા હતા. જે બાદ તેમને પેન્શન મળતુ હતું. જો કે વર્ષ ૨૦૨૧માં તેમનું અવસાન થતા નિયમ મુજબ તેમના પત્નીને પેન્શન મળવુ જોઇતું હતું. જેથી મૃતકના પત્નીએ પેન્શન માટે રજૂઆત કરી હતી. જેમાં તેમના પતિના મરણનો દાખલો તેમજ અન્ય દસ્તાવેજો આપ્યા હતા. પરંતુ, સંલગ્ન વિભાગમાં પુરતા દસ્તાવેજ ન હોવાને કારણે આ કામગીરી અટકી હતી અને સ્વ. દેવદાસભાઇના પત્ની કમળાબેનર્ને પેન્શન ન મળતા મુશ્કેલી પડી રહી હતી. છેવટે આ અંગે પોલીસ કમિશનર જી.એસ. મલિકને રજૂઆત કરવામાં આવતા તેમણે સમગ્ર બાબતને જાણીને આ અંગે એસીપી રીમા મુનસીને કામગીરી કરવા તાકીદ કરી હતી. જે બાદ માત્ર બે દિવસમાં જ પેન્શનની કામગીરી પૂર્ણ થઇ જતા હવે કમળાબેનને આગામી ડિસેમ્બર મહિનાથી નિયમિત પેન્શન મળતું થઇ જશે. આમ, ુઉચ્ચ અધિકારીને માનવીય અભિગમને કારણે પરિવારે બે વર્ષથી પડતી મુશ્કેલી હલ થઇ હતી.