સેન્ટ્રલ જેલ રોડ પર ફિલ્મી ઢબે પીછો કરીને કારમાંથી દારૂ જપ્ત કરાયો
એસયુવી કારમાં દારૂની હેરફેર
રેલવે ટ્રેક પાસે ચાલક કાર મુકીને ફરાર થઇ ગયોઃ ૧૫૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો
અમદાવાદ,શુક્રવાર
શહેરના સુભાષબ્રીજ સર્કલ પાસેથી ગત મોડી રાત્રે પોલીસે એક એસયુવી કારનો ફિલ્મી ઢબે સાબરમતી સેન્ટ્રલ જેલ રોડ પર પીછો કર્યો હતો. જો કે આગળ રસ્તો બંધ હોવાથી ચાલક ત્યાંથી કાર મુકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે તપાસ કરતા કારમાંથી ૧૫૦૦ લિટર જેટલો દેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.ડીસીપી ઝોન-૨ના સ્ક્વોડના પીએસઆઇ એસ આર રાજપુત અને હેડ કોન્સ્ટેબલ સફીકઅહેમદ સિરાજઅહેમદ, હેડ કોન્સ્ટેબલ દેવકરણભાઇ, હેડ કોન્સ્ટેબલ દેવજીભાઇ અને અજયભાઇ સહિતનો સ્ટાફ ગુરૂવારે રાતના સમયે આરટીઓ સર્કલ પાસે પેટ્રોલીંગમાં હતો ત્યારે તેમજ બાતમી મળી હતી કે એક એસયુવી કારમાં દારૂનો મોટો જથ્થો લઇને એક વ્યક્તિ સેન્ટ્રલ જેલ તરફ જવાનો છે. જેથી બાતમીને આધારે વોચ ગોઠવીને એક શંકાસ્પદ કારને રોકવા માટે પોલીસે ઇશારો કર્યો હતો. પરંતુ, કાર ચાલકે કારને પુરઝડપે સેન્ટ્રલ જેલ રોડ પર પુરઝડપે હંકારી હતી. જેથી તેનો પીછો કરવામાં આવ્યો હતો. પરંતુ, આગળ પુનિતનગર પાસે ફાટકના કારણે રસ્તો બંધ હોવાથી તે કારને મુકીને ત્યાંથી નાસી ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા ૧૫૦૦ લિટર દેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે કારના રજીસ્ટર્ડ નંબરને આધારે તપાસ શરૂ કરી છે.