Get The App

સાત મહિનામાં સાયબર ક્રાઇમે ફ્રીઝ કરાયેલા રૂ.૧૩ કરોડ પરત અપાવ્યા

સાયબર ક્રાઇમને કાબુમાં લેવા શિક્ષકોની મદદ લેવાશે

અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ અને ક્રાઇમબ્રાંચ સંયુક્ત રીતે સાયબર ક્રાઇમ જાગૃતિ માટે કામ કરશે

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
સાત મહિનામાં સાયબર ક્રાઇમે ફ્રીઝ કરાયેલા રૂ.૧૩ કરોડ પરત અપાવ્યા 1 - image

અમદાવાદ,બુધવાર

ગુજરાતમાં સૌથી વધારે સાયબર ક્રાઇમના કેસ અમદાવાદમાં બને છે. જેમાં અનેક લોકો વિવિધ મોડ્સ ઓપરેન્ડીનો ભોગ બનીને કરોડો રૂપિયા ગુમાવે છે. ત્યારે વિદ્યાર્થીઓ શરૂઆતથી સાયબર ક્રાઇમની ગંભીરતાને સમજે અને ભોગ ન બને તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ અને ક્રાઇમબ્રાંચ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવશે. જેમાં શિક્ષકોની મદદથી વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે માટે વિશેષ કેમ્પ કરવાની સાથે નાટય કૃતિથી સમજણ આપવામાં આવશે. જેમાં વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃતમાં માહિતી આપવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં અમદાવાદમાં પ્રતિવર્ષ અનેક લોકો સાયબર ક્રાઇમની વિવિધ મોડ્સ ઓપરેન્ડીનો ભોગ બને છે અને કરોડો રૂપિયા ગુમાવે છે.  જેમાં એક બાબત સામે આવી છે કે મોટાભાગના લોકોમાં સાયબર ક્રાઇમથી બચવા માટેની સામાન્ય જાણકારીનો અભાવ હતો. ત્યારે સાયબર ક્રાઇમ અંગે વધુમાં વધુમાં લોકોમાં સમજણ આવે તે માટે અમદાવાદમાં સૌ પ્રથમવાર શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ સાથે આવ્યા છે. જે અંતર્ગત બુધવારે એક હજાર જેટલા શિક્ષકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. જેમાં સુરત પોલીસે શરૂ કરેલી નાટય પ્રતિકૃતિ દ્વારા વિવિધ મોડ્સ ઓપરેન્ડી અંગે સમજણ આપવામાં આવી હતી. આ અંગે નિવૃત આઇપીએસ અધિકારી અજય તોમરે જણાવ્યું કે સુરતમાં નાટય દ્વારા જાગૃતિ ફેલાવવાનો પ્રયોગ સફળ થયો હતો. જે અમદાવાદમાં  વિશેષ ટીમ દ્વારા રજૂ કરાશે.  ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે સાયબર ક્રાઇમ હવે સૌથી સંવેદનશીલ બાબત બની છે. જેમાં નાણાંકીય છેતરપિંડીથી માંડીને સામાજીક સુરક્ષા જોખમમાં મુકાઇ છે. અમદાવાદ સાયબર ક્રાઇમે સાત મહિનામાં ફ્રીઝ થયેલા ૧૩ કરોડ રૂપિયા ભોગ બનનારને પરત અપાવ્યા છે. આ માટે વધુમાં વધુ લોકો ૧૯૩૦ નંબરની હેલ્પલાઇનનો ઉપયોગ કરે તે જરૂરી છે. જેમાં કોઇ વ્યક્તિ સાથે છેતરપિંડી થાય તો તુરંત ૧૯૩૦ પર કોલ કરીને જાણ કરે. જેથી છેતરપિંડીથી મેળવવામાં આવેલા નાણાં જે ખાતામાં જમા હોય તે અન્ય સ્થળે ટ્રાન્સફર થાય તે પહેલા જ ફ્રીઝ કરી શકાય.  એક સર્વે મુજબ ભારતના કુલ મોબાઇલ યુઝર્સના ૪૦ ટકા લોકો વિવિધ સ સોશિયલ મિડીયાનો ઉપયોગ કરે છે. જેથી સાયબર ક્રાઇમ કરતી ગેંગ પાસે ૪૦ કરોડ મોબાઇલ ફોનના યુઝર્સને ટારગેટ કરવાની તક છે. આ માટે અલગ અલગ મોડ્સ ઓપરેન્ડીનો ઉપયોગ થાય છે. જેથી  શિક્ષકો જો સાયબર ક્રાઇમ અવેરનેસમાં જોડાય તો ઘણે અંશે ક્રાઇમને કાબુમાં લેવામાં સફળતા મળી શકે છે.


Google NewsGoogle News