મહાદેવ બુક માટે ઓનલાઇન સટ્ટો રમાડતા બે બુકીઓને ઝડપી લેવાયા
સાયબર ક્રાઇમે સોલા સ્થિત હોટલ પાસે દરોડો પાડયો
વિવિધ ગેરકાયદેસરની એપ્લીકેશનમાં નાણાં જમા કરાવતા હતાઃડીસાના યુવાનોની પુછપરછમાં મોટા ખુલાસા થશે
અમદાવાદ,
શનિવાર
અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા સોલામાં આવેલા એક હોટલ પાસેથી બે યુવકોને ઝડપીને મહાદેવ બુક અને અન્ય ગેરકાયદેસર ગેંમિંગ સાઇટ માટે જુગાર રમાડવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. ઝડપાયેલા બંને યુવકો પાસેથી પોલીસને ગેમિંગ સટ્ટો રમતા અનેક લોકોના નામની યાદી પણ મળી છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.અમદાવાદ સાયબર ક્રાઇમના સ્ટાફને શુક્રવારે સાંજે બાતમી મળી હતી કે ઓનલાઇન ગેમિંગ પર જુગાર રમાડતા બે યુવકો સોલા રોડ પરની સુપ્રિમો હોટલ પાસે ઉભા છે. જેથી બાતમીને આધારે વોચ ગોઠવીને પ્રથમ ખત્રી (રહે.હરસોલિયા વાસ, ડીસા, બનાસકાંઠા) અને રાજ પઢિયાર (રહે.સિંધી કોલોની, ડીસા)ને ઝડપી લીધા હતા. તેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે બંને જણા રવિ ઉર્ફે મહાદેવ બુક અને અન્ય બુકીઓ માટે ગેંમિગ પર જુગાર રમાડતા હતા. જેમાં તે ગ્રાહકો પાસેથી નાણાં લઇને જમા કરાવીને સીધા બુકીના એકાઉન્ટમાં જમા કરાવતા હતા. તેના બદલામાં બંનેને કમિશન મળતું હતું. તેમજ ઓનલાઇન કેસીનો પર પણ જુગાર રમાડતા હતા. આ અંગે પોલીસે તેના બંનેના મોબાઇલ ફોન જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસને તેમના દ્વારા ઓનલાઇન જુગાર રમતા લોકોના નામ પણ જાણવા મળ્યા છે. આમ આ કેસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.