સાયબર ક્રાઇમે ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા બે આરોપીઓ ઝડપી લીધા

માઇકાના પ્રેસીડેન્ટ સાથે રૂપિયા ૧.૧૫ કરોડની છેતરપિંડીનો મામલો

ઝડપાયેલા આરોપીઓ છેતરપિંડીના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને ચીન મોકલતા હતાઃ બિનાન્સ નામની એપ્લીકેશનથી ચીનના નવ લોકો સાથેનો સપંર્ક બહાર આવ્યો

Updated: May 29th, 2024


Google NewsGoogle News
સાયબર ક્રાઇમે ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા બે આરોપીઓ ઝડપી લીધા 1 - image

અમદાવાદ,બુધવાર

શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતા માઇકાના પ્રેસીડેન્ટ સાથે ગત માર્ચ મહિનામાં ફેડેક્સ કુરીયર કંપનીના પાર્સલમાં ડ્ગ્સ અને પાસપોર્ટ હોવાનું કહીને કેસમાં ફસાવી દેેવાની ધમકી આપીને રૂપિયા ૧.૧૫ કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી. આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા સુરતમાં રહેતા બે આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની પુછપરછમાં છેતરપિંડીના નાણાં આરોપીઓ દ્વારા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને ચીન મોકલવામાં આવતા હતા.ઝડપાયેલા એક આરોપીને ૫૧ જેટલા બેંક એકાઉન્ટ સંદર્ભમાં સમગ્ર દેશમાં ૬૧૦ જેટલી ફરિયાદ પણ થઇ હતી. આ કેસમાં અગાઉ ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. માઇકાના પ્રેસીડેન્ટ શેલૈન્દ્રરાજ મહેતાને ગત ૧૨મી માર્ચના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશના નામે કોલ કરીને તેમના ફેડેક્સના પાર્સલમાં પાસપોર્ટ અને ડ્રગ્સ હોવા ઉપરાંત, ગેરકાયદેસર રીતે નાણાંકીય વ્યવહાર થયા છે. જેથી ગુનો નોંધવાની ધમકી આપીને રૂપિયા ૧.૧૫ કરોડની ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને અગાઉ ધોરાજી, રાજકોટ સહિતના શહેરોમાંથી  ૧૪ આરોપીઓની ધરપકડ કરી હતી. આ સંદર્ભમાં માહિતી આપતા અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિન્હાએ જણાવ્યું કે બેંકિંગ વ્યવહાર તપાસતા  વિગતો બહાર આવી હતી કે  છેતરપિંડીના નાણાં વિરેન આસોદિયા (રહે. બ્લુ બેલ, સુરત) ને મોકલવામાં આવતા હતા. તેની પાસેથી બિનાન્સ એપ્લીકેશનથી ચીનના નવ લોકો સાથેના સંપર્કની વિગતો સામે આવી હતી.  વિરેન આસોદિયાની પુછપરછ દરમિયાન પ્રદીપ માણિયાનું નામ બહાર આવ્યું હતું.  જે સુરતના વરાછામાં આવેલી જલદર્શન સોસાયટીમાં રહેતો હતો. તેની અટકાયત કરીને તપાસમાં કરવામાં આવતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે  તેણે વર્ષ ૨૦૧૮થી  અત્યાર સુધી બિનાન્સ, બીટપલ, ટ્રોનલીંક સહિતની એપ્લીકેશનની મદદથી ૭૦૦ કરોડ રૂપિયાના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન કર્યા હતા.  વિરેન આસોદિયા પાસેથી કુલ ૫૧ જેટલા બોગસ એકાઉન્ટ મળી આવ્યા હતા. જે એકાઉન્ટ સંદર્ભમાં સમગ્ર દેશમા ંસાયબર ક્રાઇમની ૬૧૦ જેટલી ફરિયાદ નોંધાઇ હતી.  સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરોપીઓ આટલા વર્ષોથી ઓનલાઇન છેતરપિંડીના કેસમાં સંકળાયેલા હોવા છતાંય, પ્રથમવાર ઝડપાયા છે.  આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ કેન્દ્ર સરકારની  એજન્સીની મદદથી ચીનનો સંપર્ક કરીને આ મામલે વધુ તપાસ કરશે.


Google NewsGoogle News