ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશીનનો બિઝનેસ કરવાના નામે ૭૨ લાખની છેતરપિંડી
મોબાઇલ નંબર બદલીને ઓટીપી મેળવીને છેતરપિંડી
શાહઆલમમાં સ્કાય લોંજ ધરાવતા યુવકે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવીઃ અનેક લોકો સાથે ઠગાઇની આશંકા
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદમાં શાહઆલમ ટોલનાકા પાસે આવેલા પ્રીઝીયમ મોલમાં લોંચ ધરાવતા યુવકને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશીનનો વ્યવસાય કરીને નફો કમાવી આપવાની લાલચ આપીને એક યુવકે રૂપિયા ૭૨ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધીને તપાસ કરવામાં આવી છે. જેમાં જીસાન કાદરી નામના યુવકે આ મોડ્સ ઓપરેન્ડીથી અન્ય લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. શાહઆલમ ગર્વમેન્ટ કોલોનીમાં રહેતા સાહિલ ખોખર શાહઆલમ ટોલનાકા પાસે પ્રીઝીયમ મોલમાં સ્કાય લોંજનો વ્યવસાય કરતો હતો. પરંતુ થોડા દિવસ પહેલા ત્યાં આગ લાગી હોવાથી તે વ્યવસાય હાલ બંધ હતો. બે મહિના પહેલા તેની લોંજ પર જીસાન કાદરી (રહે. શાહઆમલ) મળવા આવ્યો હતો. જે જમાલપુર શીતલવર્ષા કોમ્પ્લેક્સમાં ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશીનનો વ્યવસાય કરતો હતો. તેણે સાહિલને ભાગીદારીમાં ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશીનમાં ભાગીદારી સાથે સારા નફાની ઓફર કરી હતી. સાહિલે સાથે વ્યવસાય કરવાની હા કહેતા જીસાને સાહિલના નામે એક કરંટ અને સેવિંગ એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું. જેમાં બેંકિંગ વ્યવહારના ઓટીપી માટે જીસાને સાહિલના બદલે પોતાનો નંબર એડ કરાવ્યો હતો. વ્યવસાય શરૂ કર્યાના એક મહિના બાદ સાહિલને એક લાખ રૂપિયાની જરૂર પડતા તેણે જીસાન પાસેથી નાણાં માંગ્યા હતા. પરંતુ, તેણે થોડા દિવસ બાદ આપવાની વાત કરી હતી. જેથી શંકા જતા સાહિલે જ્યારે તેના લોંજનું કરંટ એકાઉન્ટ જોયુ ત્યારે તે ચોંકી ઉઠ્યો હતો. કારણ કે તેના એકાઉન્ટમાંથી ૭૨ લાખ રૂપિયાની લેવડ દેવડ થઇ હતી. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.