મેડિકલ સ્ટાફને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને હોસ્પિટલમાંથી નોકરી છોડવાની ધમકી આપી
હોસ્પિટલના ડાયરેક્ટરના નામે મેસેજ કરવામાં આવ્યો
તબીબના પુત્રને જોખમ હોવાનો ધમકી ભર્યો મેસેજ કરાયો ચોક્કસ જાણભેદું વ્યક્તિ દ્વારા મેસેજ કરાયાની આશંકા
અમદાવાદ,રવિવાર
શહેરના ગોતા વિસ્તારમાં રહેતા અને ખાનગી આઇવીએફ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા તબીબને તેમની જ હોસ્પિટલના ડાયરેક્ટરના નામે ઇન્સ્ટાગ્રામમાં પુત્રના જીવને જોખમ હોવાનો ધમકીભર્યો મેસેજ મોકલ્યાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધવામાં આવી છે. મહિલા તબીબની સાથે આ મેસેજ સ્ટાફાના અન્ય લોકોને પણ મોકલવામાં આવ્યો હતો. કોઇ ચોક્કસ જાણભેદુ વ્યક્તિએ આ કૃત્ય કર્યું હોવાની આશંકાને આધારે ટેકનીકલ સર્વલન્સની મદદથી સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરના ગોતા વિસ્તારમાં રહેતા અને ખાનગી આઇવીએફ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક મહિલા તબીબે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે થોડા દિવસ પહેલા તેમની આણંદ ખાતેની હોસ્પિટલ હાજર હતા ત્યારે અમદાવાદ ખાતેની હોસ્પિટલની એક નર્સે ફોન કરીને જાણ કરી હતી કે તુ અમદાવાદની આઇવીએફ હોસ્પિટલ છોડી દે. નહીતર તારા છોકરાને મારી નાખીશ. મારા સાથે સાથે તારો પાલો પડયો છે. તેવો મેસેજ ઇન્સ્ટાગ્રામ પર આવ્યો છે. આ મેસેજ આઇવીએફ હોસ્પિટલના ડાયરેક્ટરના નામનો હોવાથી તેમણે ડાયરેક્ટરને આ બાબતે કોલ કરીને પુછતા તેમણે જણાવ્યું હતું કે કોઇએ ઇન્સ્ટાગ્રામથી આ ધમકી ભર્યો મેસેજ સ્ટાફના અન્ય લોકોને પણ મોકલ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કોઇ જાણભેદુ વ્યક્તિએ અંગત અદાવતમાં હોસ્પિટલને બદનામ કરવા માટેના ઇરાદે ઇન્સ્ટાગ્રામનું બનાવટી એકાઉન્ટ બનાવીને મેસેજ મોકલ્યાની શક્યતા છે. આ અંગે સાયબર ક્રાઇમે ટેકનીકલ સર્વલન્સને આધારે તપાસ શરૂ કરી છે.