વેપારીના અપહરણ મામલે LCBના ચાર પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધાયો
પાટણ એસ પી રવિન્દ્ર પટેલની મુશ્કેલીમાં વધારો
અમદાવાદ ક્રાઇમબ્રાંચે પુરાવાના આધારે કાર્યવાહી કરીઃ ખેડૂતની આત્મહત્યાથી માંડીને અન્ય ગુનાઓ હાઇકોર્ટે પોલીસ પાસે વિગતો માંગી
અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદના વેપારીના અપહરણ મામલે તપાસ કરી રહેલી ક્રાઇમબ્રાંચે પાટણ પોલીસની લોકલ ક્રાઇમબ્રાંચના ચાર પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ગુનો નોંધતા પાટણ જિલ્લાના પોલીસ વડા રવિન્દ્ર પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે.પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે કે વેપારીનું અપહરણ કરીને અડાલજ સુધી લઇ જવામાં આવ્યો હતો અને તેનું ક્રોસ ઇન્વેસ્ટીગેશન કરીને ધમકી આપીને છોડી મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગુરૂવારે અમદાવાદ પોલીસે હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરવાની સાથે રવિન્દ્ર પટેલ વિરૂદ્ધ થયેલી અરજીઓ અંગે વિગતો આપી હતી. પાટણ જિલ્લાના પોલીસ વડા રવિન્દ્ર પટેલ વિરૂદ્ધ ચાલી રહેલી તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચને અનેક પુરાવા મળ્યા છે. જે અનુસંધાનમાં પાટણ પોલીસની લોકલ ક્રાઇમબ્રાંચના વિક્રમ દેસાઇ સહિત ચાર પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ વેપારીના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પાલડી પંચશીલ એન્કલેવમાં રહેતા અતુલભાઇ પ્રજારપતિ નામના વેપારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે આંબાવાડીમાં વ્યવસાય કરે છે. ગત ૧લી એપ્રિલના રોજ સાંજના સાડા પાંચ વાગે એક કાળા કાચની નંબર પ્લેટ વિનાના કારમાં ચાર લોકો આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ પાટણ એલસીબીથી આવે છે અને પુછપરછ કરવાની છે. ત્યારબાદ અતુલભાઇને બળજબરી પૂર્વક કારમાં બેસાડીને અપહરણ કરીને લઇ ગયા હતા. આ સમયે અતુલભાઇના સ્ટાફે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને સમગ્ર મામલે જાણ કરી હતી. બાદમાં એસ જી હાઇવે પર જઇને અતુલભાઇની પુછપરછ કરીને અન્ય એક વ્યક્તિ સાથે ફોન પર વાત કરતા હતા. બાદમાં તેમને અડાલજ બ્રીજ પાસે ઉતારીને સમગ્ર બાબત અંગે કોઇને જાણ ન કરવાની ધમકી આપીને નાસી ગયા હતા. આ કેસની તપાસમાં સીસીટીવી ફુટેજ , સ્ટાફની અમદાવાદમાં હાજરી તેમજ કોલ ડીટેઇનના આધારે ક્રાઇમબ્રાંચને પુરાવા મળ્યા હતા. જેના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ કોલ ડીટેઇલ અને એલસીબીના સ્ટાફના નિવેદનના આધારે રવિન્દ્ર પટેલ વિરૂદ્ધ પણ કાર્યવાહીની સંભાવના પ્રબળ બની છે. બીજી તરફ પોલીસ કમિશનર જી એસ મલિકે ગુજરાત હાઇકોર્ટમાં રવિન્દ્ર પટેલ વિરૂદ્ધની તપાસ અંગે એફિડેટવિટ ફાઇલ કર્યું હતું. જેમાં કેસની તપાસ હાલ ચાલુ હોવાથી સમય માંગ્યો હતો. જેથી આગામી ૧૬મી જુલાઇ સુધીનો સમય હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, રવિન્દ્ર પટેલ વિરૂદ્ધના આક્ષેપની વિગતો પણ હાઇકોર્ટ દ્વારા માંગવામાં આવી હતી. જેથી પોલીસ ખેડૂતની આત્મહત્યા અને અન્ય કેસ અંગેની વિગતો આપી હતી.