યુવકે મિત્રની હત્યા કરી રિવરફ્રન્ટમાં ફાયરીંગ કરી આત્મહત્યા કર્યાનો ખુલાસો

વિરમગામ પાસેની હત્યા અને રિવરફ્રન્ટ પાસે શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલ્યો

વિરમગામમાં મિત્રની હત્યામાં સંડોવાયેલા અન્ય એક યુવકની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરીઃ યુવકે આત્મહત્યા કર્યાનો એફએસએલ દ્વારા રિપોર્ટ કરાયો

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
યુવકે  મિત્રની હત્યા કરી રિવરફ્રન્ટમાં  ફાયરીંગ કરી આત્મહત્યા કર્યાનો ખુલાસો 1 - image

અમદાવાદ,બુધવાર

શહેરના રિવરફ્રન્ટ પર ગત મંગળવારે સવારે સ્મિત ગોહિલ નામના યુવકનો મૃતદેેહ મળી આવ્યો હતો. જેની છાતીમાં ગોળી લાગતા મોત નીપજ્યું હતું. બીજી તરફ સોમવારે  વિરમગામ પાસે સોકલી નર્મદા કેનાલ પાસે એક અર્ધ બળેલી લાશ મળી આવી હતી.  અમદાવાદ ક્રાઇમબ્રાંચે આ બંને ઘટનાના ભેદ ઉકેલ્યો છે. જેેમાં  રિવરફ્રન્ટ પાસે મળી આવેલા મૃતક યુવકે તેના મિત્ર સાથે મળીને અન્ય એક મિત્રની વિરમગામ પાસે હત્યા કરી હતી. બાદમાં સીસીટીવીના આધારે તેને પોલીસમાં ઝડપાઇ  જવાનો ડર લાગતા જે દેશી તંમચાથી મિત્રની હત્યા કરી હતી. તે તંમચાથી જ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. ક્રાઇમબ્રાંચે  આ કેસમાં અન્ય એક  આરોપીની ધરપકડ કરીને ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર જપ્ત કરી છે. મંગળવારે સવારે પાલડી રીવરફ્રન્ટ વોક વે પાસે સ્મિત ગોહિલ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની છાતીના ડાબી બાજુમાં ગોળી મારવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટ્રિએ આ બનાવમાં હત્યા હોવાને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર  જે એચ સિંધવ અને તેમની ટીમ દ્વારા રિવરફ્રન્ટના સીસીટીવી તપાસતા સ્મિત ગોહિલ સિવાય અન્ય કોઇ વ્યક્તિની અવરજવર જોવા મળી નહોતી.  બીજી તરફ પોલીસે ફોરેન્સીક એક્સપર્ટની મદદ લઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સ્મિતના હાથમાં મળી આવેલા ગંધક અને ગોળીની પોઝીશનને આધારે જોતા સમગ્ર બનાવ હત્યા નહી પણ આત્મહત્યા હતી. જેના આધારે  પોલીસે સ્મિતને સોંમવારે સાંજે મળનાર તેના મિત્ર યશ રાઠોડની પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે યશ અને સ્મિતે ચાંદલોડિયામાં  ઇશ્વરકાકાનગરમાં તેમની બાજુમાં જ રહેતા મિત્ર રવિન્દ્ર લુહારની નાણાંકીય લેવડદેવડ બાબત થતી તકરારમાં  વિરમગામ નજીક સોકડી નર્મદા કેનાલ પાસે હત્યા કરીને લાશને ત્યાં સળગાવી દીધી હતી.

આ બાબતનો ખુલાસો થતા પોલીસે વધુ પુછપરછ કરતા વિગતો બહાર આવી હતી જે અંગે ક્રાઇમબ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે   યશ અને મૃતક સ્મિતે તેમના મિત્ર રવિન્દ્ર લુહાર પાસેથી બે લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જેની ઉઘરાણી રવિન્દ્ર દ્વારા સતત કરવામાં આવતી હોવાથી સ્મિત અને યશે તેનો કાટો કાઢવાનું નક્કી કર્યું હતું. જે યોજના મુજબ  ૧૫ દિવસ પહેલા સ્મિત મધ્યપ્રદેશના ભીંડથી દેશી તંમચો ખરીદીને લાવ્યો હતો.  જે પછી શનિવારે જોધપુર ચાર રસ્તા પાસે આવેલી કાર રેન્ટલ કંપનીમાંથી કાર ભાડે લીધી હતી. જેની નંબર પ્લેટ કાઢીને કાળા કાચ લગાવી દીધા હતા. રવિવારે યોજના મુજબ રવિન્દ્રને રૂપિયા બે લાખનું પેમેન્ટ  અપાવવાનું કહીને કારમાં બેસાડીને હાંસલપુરથી પૈસા લેવાના છે તેમ કહીને લઇ ગયા હતા અને કેનાલ પાસે  રવિન્દ્રના માથામાં ફાયરીંગ કરીને તેને છરીના અનેક ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પુરાવાનો નાશ કરવાની યોજના હેઠળ અગાઉથી સાથે લાવેલું પેટ્રોલ છાંટીને લાશને સળગાવી  દીધી હતી.બાદમાં ઘરે પરત આવીને રવિન્દ્રને શોધવામાં તેના પરિવારજનોને મદદ કરવાનો ઢોંગ કરવાની સાથે પોલીસ તપાસ પર નજર રાખતા હતા. જો કે એક જગ્યાના સીસીટીવી ફુટેજમાં સ્મિત  દેખાયો હતો. જેથી તેને પડકાઇ જવાનો ડર લાગ્યો હતો અને ચિંતામાં હતો અને સોમવારે સાંજે યશ પાસેથી રવિન્દ્રની હત્યામાં ઉપયોગમાં લેવાયેલો તંમચો લઇને તે રિવરફ્રન્ટ આવ્યો હતો અને રાતના સમયે પોતાના પર જાતે જ ગોળી ચલાવીને આત્મહત્યા કરી લીધી હતી.

 

યશ અને સ્મિતે અન્ય એક વ્યક્તિની હત્યાનો પ્લાન ઘડયો હતો

અમદાવાદ, બુધવાર

યશ અને સ્મિત પાસે ખાસ આવક ન હોવા છતાંય, તે મોજશોખનું જીવન જીવતા હતા. તેમની પાસે એક-એક લાખ રૂપિયાના ફોન પણ હતા. આ નાણાં  તે અન્ય લોકો પાસેથી ઉછીના લઇને પરત કરતા નહોતા. રવિન્દ્ર બાદ તે મુકેશ ઠાકોર નામના યુવકની હત્યા કરવાનો પ્લાન પણ બનાવ્યો હતો. મુકેશ ઠાકોર પાસેથી તેમણે નાણાં ઉછીના લીધા હતા. આમ, કુલ પાંચ થી છ લાખ રૂપિયા અનેક લોકો પાસેથી ઉછીના લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે.

રવિન્દ્રની હત્યા કરતા પહેલા યશ અને સ્મિતે પોલીસના હાથમાં પકડાઇ ન જવાઇ તે માટે પ્લાન બનાવ્યો હતો. જેમાં બંનેએ ફોનને એરોપ્લેન મોડ પર ઘરે જ મુકી દીધા હતા.  તે પછી કારને પણ ભાડે કરી હતી.  જો કે કારનું જીપીએસ ઓન રહેતા બંનેનું લોકેશન વિરમગામ પાસે મળી આવ્યું હતું. 


Google NewsGoogle News