લાખો રૂપિયાની લૂંટની ઘટનાઓમાં સંડોવાયેલા આરોપીને ઝડપી લેવાયો

ક્રાઇમબ્રાંચે કાર અને આઠ લાખની રોકડ જપ્ત કરી

એક વર્ષમાં પાંચ ગુનાઓમાં એક કરોડથી વધુ રકમની લૂંટ કર્યાની કબુલાતઃ તપાસમાં મોટા ખુલાસાની શક્યતા

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
લાખો રૂપિયાની લૂંટની ઘટનાઓમાં સંડોવાયેલા આરોપીને ઝડપી લેવાયો 1 - image

અમદાવાદ, સોમવાર

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં  લાખો રૂપિયાની લૂંટને અંજામ આપનાર ગેંગના સાગરિતને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી આઠ લાખની રોકડ અને કારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પુછપરછમાં તેણે સાગરિતો સાથે મળીને પાંચ અલગ અલગ ગુના આચરીને એક કરોડ જેટલી રોકડની લૂંટ કરી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે અમદાવાદ ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર  એમ એલ સાલુકે અને તેમનો સ્ટાફ કુબેરનગર પાસે પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમીને આધારે કુબેરનગર માયા સિનેમા  પાસેથી પવન ગોરાણી (રહે. કુબેરનગર) નામના વ્યક્તિને કાર સાથે ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી આઠ લાખની રોકડ મળી આવી હતી. જે અંગે અટકાયત કરીને પુછપરછ કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જેમાં તેણે સાગરિતો સાથે મળીને  અગિયાર મહિના પહેલા નવરંગપુરા  બોડીલાઇન ચાર રસ્તા પાસેથી  આંગડિયા કર્મચારી પાસેથી રૂપિયા ૫૦ લાખની લૂંટ કરી હતી.  તેમજ  વસ્ત્રાપુર મેનેજમેન્ટ એન્કલેવ પાસેથી કારના કાચ તોડીને ૧૫ લાખની રોકડની ચોરી કરી હતી. ઉપરાંત, નવરંગપુરા સ્વસ્તિક ચાર રસ્તા, બાપુનગર, નરોડા દાસ્તાન રોડ પાસેથી પણ લાખો રૂપિયાની લૂંટ અને ચોરી કરી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News