ક્રાઇમબ્રાંચે રૂ.૧૪.૩૩ લાખની એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓ ઝડપી લીધા
એલિસબ્રીજ અને વટવામાં દરોડો પાડ્યો
વટવામાં રહેતો યુવક શહેરમાં અનેક સ્થળોએ એમડી ડ્રગ્સ સપ્લાય કરતો હતોઃ અનેક લોકલ ડ્રગ્સ ડીલર અંગે તપાસ
અમદાવાદ,શનિવાર
અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફે શુક્રવારે એલિસબ્રીજ પાસે દરોડો પાડીને બે યુવકોને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ બંને એમડી સપ્લાય કરનાર ડ્રગ્સ ડીલરને ત્યાં વટવામાં તપાસ કરતા ૯૩ ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આમ, પોલીસે કુલ ૧૪.૩૩ લાખની કિંમતના મેફેડ્રોન સાથે ત્રણ યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા.અમદાવાદ ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર આઇ એન ઘાસુરા અને તેમના સ્ટાફે બાતમીના આધારે એલિસબ્રીજ નજીક દરોડો પાડીને ફૈઝલ કંકુવાલા અને અનીશ મોતીવાલા ( બંને રહે.નાડિયાવાસ, છીપાવાડ, જમાલપુર)ને રૂપિયા પાંચ લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. બંનેની પુછપરછમાં જાણવામ મળ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો તે વટવા નુરનગરમાં રહેતા મોહંમદઇરફાન શેખ પાસેથી લાવ્યા હતા. જે માહિતીના આધારે પોલીસે મોહંમદઇરફાનના ઘરે દરોડો પાડીને તપાસ કરતા તેની પાસેથી રૂપિયા ૯.૭૩ લાખની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ તે શહેરમાં અનેક યુવકોને એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતો હતો. જે અંગે ક્રાઇમબ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.