નાણાં કમાવવા ૧૫ વર્ષના સગા સાળા પાસે ભીખ મંગાવતા યુવક સામે કાર્યવાહી
બે દિવસમાં પોલીસે ૧૦ બાળકો રેસક્યુ કર્યા
મોટા ભાગના કિસ્સામાં માતા-પિતા દ્વારા જ ભીખ મંગાવવામાં આવતા હતાઃ પોલીસે કુલ નવ ગુના નોંધ્યા
અમદાવાદ,સોમવાર
અમદાવાદમાં ભીક્ષા વૃતિ કરતા બાળકોને રેસક્યુ કરાવવા માટે અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત બે દિવસમાં પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી ૧૦ બાળકોને રેસ્ક્યુ કરીને નવ ગુના નોંધ્યા છે. જેમાં અંધજન મંડળ પાસે એક ૧૫ વર્ષના બાળકને તેના બનેવી દ્વારા ભીખ મંગાવવામાં આવતી હતી. જ્યારે અન્ય મોટાભાગના કિસ્સામાં માતા પિતા તેમના સંતાનોને બળજબરીપૂર્વક ભીક્ષાવૃતિ કરાવતા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં નાના બાળકોનો ઉપયોગ ભીક્ષાવૃતિની સાથે ડ્રગ્સ કે અન્ય ચીજવસ્તુઓની હેરફેર માટે કરવામાં આવતો હોવાથી અમદાવાદમાં બાળકોને રેસ્ક્યુ કરવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત બે દિવસ દરમિયાન ક્રાઇમબ્રાંચની વિવિધ ટીમ દ્વારા વાડજ, નવરંગપુરા,એરપોર્ટ, ગુજરાત યુનિવર્સિટી, પાલડી અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં નવ ગુના નોંધીને ૧૦ બાળકોને રેસ્કયુ કર્યા હતા. જેમાં અનેક કિસ્સામાં ખુદ માતા પિતા તેમની સગીર બાળકીઓને ભીખ માંગવાની ફરજ પાડતા હતા. અંધજન મંડળ ચાર રસ્તા પાસેથી એક ૧૫ વર્ષના બાળકને રેસક્યુ કરીને તેની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તેના સગા બનેવી ઇસ્તીયાર શેખ (રહે. અજીજ પાર્ક, વટવા) દ્વારા તેને યુપીથી લાવીને ભીખ મંગાવવામાં આવતી હતી. રેસક્યુ કરાયેલા તમામ બાળકોને મેડીકલ ચેકઅપ માટે મોકલીને તેમના અભ્યાસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળીને કામગીરી કરવામાં આવશે.