બેંકના અધિકારીએ જુગારની લતમાં નાણાંની ઉચાપત કરી હોવાનો ખુલાસો
સરસપુર નાગરિક બેંક સાથે છેતરપિંડીનો મામલો
મહિલા બેંક મેનેજરે પણ સત્તાનો ખોટા ઉપયોગ કરીને એફડી પર ઓવર ડ્રાફ્ટ અપાવ્યા હોવાનું સામે આવ્યું
અમદાવાદ,શુક્રવાર
સરસપુર નાગરિક કો. ઓપરેટીવ બેંકની ગોતા બ્રાંચના અધિકારી વિરલ બ્રહ્યભટ્ટ અને બ્રાંચ મેનેજર નમ્રતા પટેલે બેંકના ગ્રાહકોની ફિક્સ ડીપોઝીટ પર ઓવર ડ્રાફ્ટ મેળવીને લિયન કરીને રૂપિયા ત્રણ કરોડની છેતરપિંડી કરવાના મામલે અમદાવાદ ક્રાઇમબ્રાંચે બંનેની ધરપકડ કરી હતી. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે વિરલ બ્રહ્મભટ્ટને જુગારની લત હોવાથી રમવા માટે તે બેંકના નાણાંની ઉચાપત કરતો હતો. આ માટે બેંક મેનેજર તેને ઓવરડ્રાફ્ટ કરી આપતા હતા. આ અંગે પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે. ગોતામાં આવેલી સરસપુર નાગરિક કો. ઓપરેટીવ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ન્રમતા પટેલ (રહે. આઇ ડ્રીમ એપાર્ટમેન્ટ, સાયન્સ સીટી રોડ, સોલા) અને અન્ય અધિકારી તરીકે નોકરી કરતા વિરલ બ્રહ્યભટ્ટ (રહે. શ્યામશિખર રેસીડેન્સી, હરીદર્શન ચાર રસ્તા, નવા નરોડા) વિરૂદ્વ અમદાવાદ ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં રૂપિયા ૩.૦૪ કરોડની છેતરપિંડી ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં આરોપી વિરલે તેની સત્તાનો દુરપયોગ કરીને બેંકના થાપણદારોની ફિક્સ ડીપોઝીટને લિયન કરીને તેના નાણાં પોતાની પત્ની અપેક્ષા અને પિતા ભરતભાઇના નામે ખોલવામા ંઆવેલા સેવિંગ્સ એકાઉન્ટમાં ટ્રાન્સફ કરી લીધા હતા. આ કામમાં બેંકના મેનેજર નમ્રતા પટેલે પણ તેને મદદ કરી હતી. જેના આધારે પોલીસે શુક્રવારે સાંજે બંનેને ઝડપી લીધા હતા. બંનેની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે વિરલ બ્રહ્યભટ્ટને જુગાર રમવાની લત હોવાથી તેણે બેંકના નાણાંની ઉચાપત શરૂ કરી હતી. જેમાં એફડી લિયન કરવામાં નમ્રતા પટેલ તેને મદદ કરતી હતી. બંને જણાએ સાથે મળીને અન્ય ઉચાપત કરી હોવાની આશંકાને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.