ક્રાઇમબ્રાંચે ઇસનપુર-શાહઆલમમાં કોમ્બીંગ કરી સાત ખંજર જપ્ત કર્યા
સોશિયલ મિડીયામાં હથિયાર સાથેનો વિડીયો વાયરલ થયો
છ અલગ અલગ ગુના નોંધીને માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી
અમદાવાદ,રવિવાર
સોશિયલ મિડીયામાં ેખંજર જેવા હથિયાર સાથેનો એક વિડીયો વાયરલ થયો હતો. જેના આધારે અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઇસનપુર અને શાહઆલમ પાનવાળી ચાલીમાં કોમ્બીંગ કરીને છ લોકોને ખંજર-છરી જેવા ઘાતક હથિયાર સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.થોડા દિવસ પહેલા સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ હથિયાર સાથે જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ વિડીયો શાહઆલમ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પીએસઆઇ આઇ એન ધાસુરા અને તેમના સ્ટાફ દ્વારા શનિવારે શાહઆલમ પાનવાળી ચાલીમાં કોમ્બીંગ હાથ ધરાયું હતું. જેમાં સંજયખાન પઠાણ (રહે.પાનવાળી ચાલી,શાહઆલમ),ફૈઝાન શેખ, વસીમ શેખ, મોહંમદ સિંધી , સૌકતહુસૈન સૈયદ અને આરિફ અરબ નામના શખ્સો પાસેથી સાત જેટલા ખંજર-છરી મળી આવ્યા હતા. પોલીસે આ કેસમાં એક લક્ઝરી કાર અને ત્રણ ટુ વ્હીલર પણ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વિગતો પણ જાણવા મળી છે.