બે સંતાનોનું અપહરણ કરીને નાસી ગયેલા વ્યક્તિને સુરતથી ઝડપી લેવાયો
બાળકોને પત્નીને સોંપવા ન પડે તે માટે ત્રણ વર્ષ પહેલા અપહરણ કર્યું હતું
પોલીસેે શાકભાજી વાળાથી માંડીેને સેલ્સમેનનો વેશ ધારણ કર્યો ઃ પોલીસથી બચવા માટે બંને સંતાનોને ઘરે જ અભ્યાસ કરાવતો હતો
પોલીસે નાસ્તાના વેપારીથી માંડીને ફુગ્ગા વેચવાવાળાના વેશ ધારણ કર્યા
અમદાવાદ,શુક્રવાર
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા તકરારને પતિ તેના બે સંતાનોને ત્રણ વર્ષ પહેલા તેના ઘરેથી અપહરણ કરીને લઇ ગયો હતો. જે અંગે કૃષ્ણનગર પોલીસે તપાસ કર્યા બાદ પણ કોઇ કડી ન મળતા હાઇકોર્ટમાં હેબિયર્ય કોપર્સ દાખલ કરવામાં આવતા સમગ્ર કેસની તપાસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. જે બાતમીને આધારે પોલીસે ચોક્કસ બાતમીને આધારે બંને સંતાનોનું અપહરણ કરનાર પિતાને સુરતના કામરેજથી ઝડપી લઇને બંને બાળકોને હાઇકોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. પોલીસે આરોપી સુધી પહોંચવા માટે ફુગ્ગા વેચવા વાળા વ્યક્તિથી માંડીને સરકારી યોજનાની માહિતી પહોંચાડતા વિવિધ વિભાગના કર્મચારીના વેશ ધારણ કર્યા હતા.
શહેરના કૃષ્ણનગરમાં રહેતા એક વ્યક્તિને તેની પત્ની સાથે પારિવારીક તકરાર ચાલતી હતી. જેને
લઇને તેની પત્નીએ આશરે ત્રણ વર્ષ પહેલા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
જેથી પતિ તે સમયે પોતાની આઠ વર્ષની દીકરી અને
ત્રણ વર્ષના પુત્રને કૃષ્ણનગરથી અપહરણ કરીને નાસી ગયો હતો. જે અંગે કૃષ્ણનગરમાં જાણવા જોગ નોંધવામાં આવી હતી.
પરંતુ, તે પોતાના
સંતાનોને લઇને ગયો તે પહેલા તેણે નરોડામાં
આવેલી તેની ફેક્ટરી ૮૦ લાખ રૂપિયામાં વેચી દીધી હતી. જેથી તે વિદેશમાં નાસી ગયો હોવાની
આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરવામાં આવતા સમગ્ર કેસની તપાસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. આ અંગે કેસની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર જે એચ સિંધવ દ્વારા ટેકનીકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા માહિતી મળી હતી કે બંને સંતાનોને લઇને નાસી જનાર વ્યક્તિ સુરતના કામરેજમાં છે. જો કે કામરેજ વિસ્તારમાં ખુબ જ મોટો હોવાથી આરોપી સુધી પહોંચવા અને બાળકોની ભાળ મેળવવા માટે પોલીસની ટીમ દ્વારા ફુગ્ગાવાળા, પાણીપુરી-નાસ્તાની લારી વાળા , સેલ્સમેન અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપતા ફિલ્ડ કર્મચારી તરીકેના અલગ અલગ વેશધારણ કરવામાં આવ્યા હતા. જેમાં આરોપીનું ચોક્કસ ઠેકાણું મળ્યું હતું. જે બાદ તેને તેના બે સંતાનો સાથે ઝડપી લઇને સંતાનોને હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
આ અંગે વધુ માહિતી આપતા ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું
કે આરોપીએ પોલીસથી બચવા માટે બંને સંતાનોને અભ્યાસ કરાવવા માટે સ્કૂલમાં મુક્યા નહોતા
પરંતુ, તે ઘરે જ
અભ્યાસ કરાવતો હતો . તે હાલ અન્ય એક યુવતી સાથે લીવ ઇનમાં રહેતો હતો. તે યુવતીને પણ
બે સંતાનો છે. જ્યારે ઘરખર્ચ માટે તેણે પોતાની ફેક્ટરીના વેચાણથી આવતી રકમનો ઉપયોગ
કરતો હતો. હાલ બંને સંતાનો તેની માતાથી છેલ્લાં ત્રણ વર્ષથી દુર હોવાથી તેમની સ્થિતિને
અનુરૂપ જરૂર જણાઇ તો મનોચિકિત્સકની મદદ લેવામાં આવશે. બીજી તરફ આ કેસમાં હાલ હાઇકોર્ટે
બંને પક્ષ વચ્ચે સમાધાન સાધવાનો પ્રયાસ કરવા માટે તાકીદ કરતા ધરપકડ કરવામાં આવી નથી.