પાલડી દત્ત સોસાયટીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
ભચાઉની ગેંગના મુખ્ય આરોપી સહિત પાંચ શખ્સોને ઝડપી લેવાયા
જૈન સુપર બાઝારમાં વિવિધ બ્રાંચના કલેકશનના રૂપિયા ૫૦ થી ૬૦ લાખની રકમ નિયમિત આવતી હોવાની ટીપ અગાઉ કામ કરતા યુવકે આપી હતી
અમદાવાદ,સોમવાર
શહેરના પાલડીમાં આવેલા દત્ત સોસાયટીમાં એક ગ્રોસરી શોપના ગોડાઉનમાં ૧૫ દિવસ પહેલા લૂંટારૂઓએ ત્રાટકીને દુકાનના માલિક અને મેનેજરને મારી નાખવાની ધમકી આપીને રૂપિયા ૩.૧૦ લાખની રોકડ અને સ્કૂટરની લૂંટ કરી હતી. આ કેસમાં સંડોવાયેલી ભચાઉની ગેંગના પાંચ આરોપીઓને અમદાવાદ ક્રાઇમબ્રાંચે રવિવારે મોડી રાત્રે ઇસ્કોન બ્રીજ પાસેથી ઝડપી લીધા હતા. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે સ્ટોરમાં અગાઉ નોકરી કરતા એક યુવકે તેમને ટીપ આપી હતી કે વિવિધ સ્ટોરના કલેક્શનની ૫૦ થી ૬૦ લાખ રૂપિયાની રકમ લૂંટ કરતા મળી શકે છે. જેના આધારે ભચાઉની ગેંગ દ્વારા લૂંટ કરવામાં આવી હતી. શહેરના પાલડીમાં આવેલી સમસ્ત બ્રહ્યક્ષત્રિય સોસાયટીમાં રહેતા સુમતિલાલ જૈન અમદાવાદમાં જૈન સુપર બાઝાર નામથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગ્રોસરી માર્કેટના નામે વ્યવસાય કરે છે. જે માટે હોલસેલમાં ખરીદવામાં આવતા કરિયાણા અને અન્ય ચીજવસ્તુઓને રાખવા માટે પાલડી દત્ત સોસાયટીમાં ગોડાઉન બનાવ્યું હતું. ગત ૨૭મી જુલાઇના રોજ તે ગોડાઉન પર હતા ત્યારે ત્રણ બુકાનીધારી લૂંટારૂઓએ ત્રાટકીને રૂપિયા ત્રણ લાખની રોકડ અને સ્કૂટરની લૂંટ કરી હતી. અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા આ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ટેકનીકલ સર્વલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ એલ સાલુકેને લૂંટમાં સંડોવાયેલી ગેંગ અંગે ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે સાણંદ ચાર રસ્તા પાસેથી રવિવારે રાતના સમયે પાંચ લોકોને પાલડીથી લૂંટવામાં આવેલા સ્કૂટર સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પુછપરછમા ંતેમના નામ રમેશ કોળી, વિનેશ કોળી,હરેશ કોળી,નાગજી કોળી અને ધર્મેશ કોળી (તમામ રહે. ભચાઉ,ભુજ) હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતી ક્રાઇમબ્રાંચના એસીપી ભરત પટેલે જણાવ્યું
કે અગાઉ
જૈન બાઝારમાં નોકરી કરતા મિતેશ નામના યુવકે મુન્દ્રામાં રહેતા કિશન મેદરાણી
નામના યુવકને ટીપ આપી હતી કે રાતના નવ વાગ્યા
પછી બધો જ સ્ટાફ ગોડાઉનમાંથી જાય તે પછી સુમતિલાલ જૈન અને મેનેજર તમામ સ્ટોર્સમાંથી
આવેલી રોકડનો હિસાબ કરે છે. જે રકમ ૫૦ થી ૬૦ લાખ રૂપિયા જેટલી હોય છે. જે વાતની જાણ
કિશને રમેશ કોળીને કરી હતી. જેના આધારે બે મહિના પહેલા કિશન, રમેશ , મિતેશ અને મોન્ટુ
નામના યુવક સાથે રાતના સમયે લૂંટ કરવા આવ્યા હતા. પરંતુ, તે લૂંટની યોજના નિષ્ફળ
ગઇ હતી. તે પછી રમેશ ફરીથી અન્ય ત્રણ આરોપીઓ
સાથે લૂંટ કરવા માટે આવ્યો હતો. જો કે આ સમયે પણ તે લૂંટને અંજામ આપી શક્યા નહોતા.
છેવટે રમેશે ભચાઉની ગેંગના અન્ય ચાર સાગરિતોને સાથે રાખીને ગત ૨૭મી જુલાઇએ લૂંટ કરી
હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા ૮૦ હજારની રોકડ, સ્કૂટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓ પાલડીમાં અન્ય એક શોપમાં લૂંટ કરવાના હતા
પોલીસે મુખ્ય આરોપી રમેશ કોળીની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું
હતું કે અમદાવાદના પાલડીમાં લૂંટ બાદ તેણે પાલડીમાં આવેલી અન્ય શોપને ટાગરેટ કરવાનું
નક્કી કર્યું હતું. જે માટે તે રવિવાર અગાઉ તેની સાથે કામ કરનાર આરોપીઓને લઇને અમદાવાદ
આવ્યો હતો. તે પછી રેકી કરીને લૂંટની ઘટનાને અંજામ આપવાનો હતો. ઝડપાયેલા તમામ આરોપીઓ
ઘરફોડ ચોરી અને મારામારીના ગુનામાં સંડોવાયેલા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.