રાજસ્થાનથી ગરીબ પરિવારોને ગુજરાતમાં લાવી ભીખ મંગાવતી ગેંગ સક્રિય

અમદાવાદમાં ભીખ માંગતા ૨૯ બાળકોને રેસક્યુ કરાયા

એસ જી હાઇવે, શીવરંજની, પાલડી જેવા જંક્શન પર બાળક સાથે આવેલા પરિવાર પ્રતિદિન ૧૫૦ની રોકડના બદલામાં ભીખ મંગાવવામાં આવતી હતી

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
રાજસ્થાનથી ગરીબ પરિવારોને ગુજરાતમાં લાવી ભીખ મંગાવતી ગેંગ સક્રિય 1 - image

અમદાવાદ,શુક્રવાર

અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા થોડા દિવસ પહેલા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો પાસેથી ડ્રગ્સની હેરાફેરી કરાવવામાં આવતી હોવાની શક્યતાને આધારે તેમજ ભીખ માંગતા બાળકોને છોડાવીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે એક ડ્રાઇવ શરૂ કરી હતી. જેના બે તબક્કામાં પોલીસે ૨૯ જેટલા બાળકોને રેસક્યુ કરવાની સાથે તેમની પાસે ભીખ મંગાવતા વાલીઓ સામે ગુના નોંધવામાં આવ્યા હતા.  પોલીસને આ ડ્રાઇવ દરમિયાન ચોંકાવનારી માહિતી મળી હતી કે રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારોમાંથી નાનુ બાળક ધરાવતા પરિવારોને કેટલાંક એજન્ટો અમદાવાદ કે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં લાવીને તેમની પાસે ભીક્ષાવૃતિ કરાવવાનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે કેટલાંક શકમંદોને ઝડપીને તપાસ શરૂ કરી છે. જેમાં  હ્યુમન ટ્રાફિકીંગના અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. અમદાવાદમાં જાહેર રસ્તાઓ તેમજ મહત્વના જંક્શન પર ભીખ માંગતા બાળકોનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરીમાં થતો હોવા ઉપરાંત, તેમને ચોક્કસ ગેંગ દ્વારા ભીખ મંગાવવામાં આવતી હોવાની સંભાવનાને ધ્યાનમા રાખીને  એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટમહિલા પોલીસ અને ક્રાઇમબ્રાંચ દ્વારા વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેમાં બે તબક્કામાં કુલ ૨૯ બાળકોને રેસક્યુ કરવામાં આવ્યા હતા. જેમાં બાળકોના માતા પિતા વિરૂદ્વ શહેરના સેટેલાઇટ, ગુજરાત યુનિવર્સિટી અને એસ જી હાઇવે  સહિતના વિસ્તારોમાં ભીખ મંગાવતા હતા. આ અંગે કુલ આઠ ફરિયાદ નોંધવામાં આવી છે.  રેસક્યુ કરાયેલા તમામ બાળકો અભ્યાસ કરી શકે તે માટે એએમસીની મદદથી કામગીરી કરવામાં આવશે.આ અંગે વધુ માહિતી આપતા ક્રાઇમબ્રાંચના એસીપી ભરત પટેલે જણાવ્યું કે પોલીસની ડ્રાઇવ દરમિયાન કેટલાંક પરિવારો  તેમના બાળકો સાથે શંકાસ્પદ રીતે લાપત્તા થઇ ગયા હોવાની વિગતો જાણવા મળી છે. જે ચોક્કસ એજન્ટો સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે. જે અંગે કેટલીક ચોંકાવનારી માહીતી બહાર આવી શકે તેવી શક્યતા છે.બીજી  તરફ  ક્રાઇમબ્રાંચના સુત્રોએ જણાવ્યું કે  રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારનો કેટલાંક એજન્ટો પ્રતિદિન ૧૫૦ થી ૨૦૦ રૂપિયા અપાવવાનું કહીને અમદાવાદ તેમજ ગુજરાતના અન્ય શહેરોમાં લાવે છે. જેમાં નાના બાળકો ધરાવતા પરિવારને ખાસ ટારગેટ કરવામાં આવે છે. આમ, ભીખ મંગાવવાના મોટા રેકેટની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જે અંગે આગામી દિવસોમાં મોટો ખુલાસો થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.


Google NewsGoogle News