જુહાપુરામાં રહેતા યુવકના શંકાસ્પદ મોતની તપાસમાં નવો વળાંક આવ્યો
ક્રાઇમબ્રાંચને તપાસ દરમિયાન સીસીટીવી મળ્યા
યુવકને કેટલાંક લોકો સાથે તકરાર થતા માર મરાયાની આશંકાઃ યુવકના મોત અંગે પોલીસ પર આક્ષેપ કરાયો છે
અમદાવાદ,
શુક્રવાર
શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતા યુવકનું આઠ દિવસ પહેલા જીવરાજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકના પત્નીએ વેજલપુર પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે પોલીસના મારથી તેનું મોત થયું છે. જે અંગે ક્રાઇમબ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પોલીસ સ્ટેશનથી યુવક ઘરે ગયો ત્યારબાદ તેને કેટલાંક લોકો સાથે તકરાર થઇ હતી. જેમાં તેને માર મારવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં પોલીસને સીસીટીવી ફુટેજ પણ મળી આવ્યા છે. જેના આધાર તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે શહેરના જુહાપુરામાં આવેલી પરમ્બા સોસાયટીમાં રહેતા અજરૂદ્દીન મોમીનને ગત ૨૪મી મેના રોજ કેટલાંક લોકો સાથે તકરાર થતા તે દારૂ પીધેલી હાલતમાં વેજલપુર પોલીસ સ્ટેશન ગયો હતો. જ્યા તેને પોલીસ સ્ટેશનમાં ગેરવર્તન કરતા તેના પર બળપ્રયોગ કરાયો હતો. જે બાદ તે આમેના ખાતુન હોસ્પિટલ ગયો હતો. પરંતુ, તેણે ત્યાં પણ માથાકુટ કરી હતી અને સારવાર લીધા વિના જ જતો રહ્યો હતો. તે પછી તેની તબિયત લથડતા સવારે તેને સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ જીવરાજ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકની પત્નીએ વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાવલ અને તેમના સ્ટાફ સામે આક્ષેપ કર્યા હતા. જેથી સમગ્ર કેસની તપાસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. જેની તપાસમાં વિગતો બહાર આવી છે કે જે રાત્રે અજરૂદ્દીન પોલીસ સ્ટેશન આવ્યો તે બાદ સવારે પાંચ વાગ્યાના સુમારે તેના ઘર પાસે કેટલાંક લોકો સાથે તકરાર કરતો જોવા મળ્યો હતો. આ બનાવ બાદ તેણે શરીરમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જેથી પોલીસને આશંકા છે કે અજરૂદ્દીનને અન્ય લોકો સાથે થયેલી મારામારીમાં ઇજાઓ થઇ હોય. જેથી સીસીટીવીમાં જોવા મળેલા કેટલાંક લોકોએ તપાસ શરૂ કરવામાં આવી છે.