Get The App

સુરતમાં એમ્બ્યુલન્સ સર્વિસમાં રોકાણના નામે રૂ.૫.૭૫ કરોડની છેતરપિંડી

સુરતમાં સ્મીમેર હોસ્ટિલના ટયુટર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ

સુરતની વિવિધ હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાથી રોકાણની સામે સારા વળતરની લાલચ આપી હતીઃ ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
સુરતમાં એમ્બ્યુલન્સ  સર્વિસમાં રોકાણના નામે રૂ.૫.૭૫ કરોડની છેતરપિંડી 1 - image

અમદાવાદ,બુધવાર

સુરતની વિવિધ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાથી  રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને  સુરત   સ્મીમેર  હોસ્પિટલના ઓથોપેડિક વિભાગમાં ટયુટર તરીકે ફરજ બજાવતા વ્યક્તિ સહિત  ત્રણ લોકોએ રૂપિયા ૫.૭૫ કરોડની રૂપિયાની છેતરપિંડી કરી હોવાની  ઘટના સામે આવી છે.  આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં આ કૌભાંડમાં ગઠિયાઓએ અન્ય શહેરોમાં પણ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. શહેરના બાપુનગર વિક્રમ પાર્ક સોસાયટીમાં રહેતા જીગરભાઇ શહેરાવાળાએ  હાલ શારદાબેન હોસ્પિટલમાં ફરજ બજાવે છે.જીગરભાઇ સુરત સ્મીમેર મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તે સમયે તેમનો પરિચય તેમના સિનિયર હાર્દિક પટવા (રહે.અક્ષરધામ એપાર્ટમેન્ટ, મજુરા ગેટ, સુરત) સાથે થયો હતો. વર્ષ ૨૦૧૩માં જીગરભાઇને અમદાવાદમાં નોકરી મળતા તે અમદાવાદ આવ્યા હતા. તે સમયે  હાર્દિક પટવા અમદાવાદ આવતો ત્યારે જીગરભાઇને મળતો હતો. વર્ષ ૨૦૧૯માં  હાર્દિક અમદાવાદ આવ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે તે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા હોવાથી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી શકતા નહોતા.  પરંતુ, તેમના પરિચિત હેમત પરમાર (રહે. સિદ્વીવિનાયક રેસીડેન્સી, હજીરા ગામ, સુરત) સાથે ભાગીદારીમાં સનસાઇન એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. જેમાં વિવિધ હોસ્પિટલ દ્વારા કોન્ટક્ટ મળ્યા છે. આ ધંધામાં રોકાણની સામે ઉંચુ વળતર મળશે. તેમ કહીને રોકાણની ઓફર આપી હતી. જેથી વિશ્વાસ કરીને જીગરભાઇ રોકાણ માટે તૈયાર થયા હતા. જેથી  સુરત ગયા હતા અને લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની સામે દર મહિને તે વળતર આપતા હતા. ત્યારબાદ થોડા મહિના પછી હાર્દિકે યક્ષ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હોવાની વાત કરી હતી. જેનું સંચાલન તેમનો ભાગીદાર મયુર ગોસ્વામી (રહે.સુમન શ્વેત આવાસ,પીપળોદ, સુરત)  દ્વારા કરવામાં આવે છે. જેથી  વિશ્વાસ કરીને જીગરભાઇએ તેમના તેમના પત્ની , પરિવારજનો અને મિત્રોનો સંપર્ક કરીને કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. પરંતુ, ઓગસ્ટ ૨૦૨૩ બાદ હાર્કિદ પટવાએ વળતર અપાવવાનું બંધ કર્યું હતું. આમ કુલ ૫.૭૫ કરોડના રોકાણની સામે નાણાંનું વળતર નહી આપીને  જીગરભાઇ અને અન્ય લોકો સાથે છેતરપિંડી કરી હતી. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હાર્દિક પટવા અને તેના સાગરિતોએ  આ મોડ્સ ઓપરેન્ડીથી અન્ય લોકો સાથે પણ  કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની શક્યતા  પોલીસ અધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


Google NewsGoogle News