આઇપીએસ વિરૂદ્વ વહીવટદારો રાખવાનો આક્ષેપ કરનાર સામે ફરિયાદ
ક્રાઇમબ્રાંચ દ્વારા ગુનો નોંધાયો
પોલીસ કમિશનરના તાબામાં કામ કરતી પીસીબીના નામે અખબાર અને યુટયુબ ચેનલમાં ખોટા સમાચાર મુક્યા
અમદાવાદ,
ગુરૂવાર
અમદાવાદમાં ચાલતા ગુજરાત ગીતા અખબાર અને યુ ટયુબ ચેનલ પર આઇપીેએસ અધિકારીઓ તેમજ પોલીસ કમિશનરના તાબામાં આવતી પીસીબી પર ભ્રષ્ટ્રાચારના આક્ષેપ મુકીને પોલીસની છબી ખરડવાના કેસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા રાકેશ યાદવ નામના વ્યક્તિ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ચાલતા ગુજરાત ગીતા ન્યુઝ અને તેની યુ ટયુુુબ ચેનલ પર છેલ્લાં ઘણા સમયથી પોલીસને બદનામ કરતા સમાચાર અને વિડીયો આધાર પુરાવા વિના મુકવામાં આવતા હતા. જેમાં સિનિયર આઇપીએસ અધિકારી દ્વારા વહીવટદારો રાખીને તોડબાજી કરવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.સાથેસાથે પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી ગુના નિવારણ શાખાના સ્ટાફ પર લાખો રૂપિયાના હપતા ઉઘરાવવાની પોસ્ટ મુકીને સમગ્ર અમદાવાદ પોલીસને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. જે બાબત પોલીસ કમિશનર જી એસ મલિકના ધ્યાનમાં આવતા તેમણે ગુજરાત ગીતા ન્યુઝના સંચાલક રાકેશ યાદવ પાસે આક્ષેપ અંગે પુરાવા માંગ્યા હતા. ત્યારે તેણે પોલીસને બદનામ કરવા માટે જ સમગ્ર ન્યુઝ પોસ્ટ કર્યાનો ખુલાસો થયો હતો. જના આધારે પોલીસ કમિશનરની સુચનાથી આ અંગે ક્રાઇમ બ્રાંચમાં પીસીબી દ્વારા રાકેશ યાદવ સામે ઉચ્ચ પોલીસ અધિકારીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ગુનો નોંધાવવામાં આવતા તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે પોલીસ યુ ટયુબની ચેનલ બ્લોક કરવા અને પાક્ષિકનું રજીસ્ટ્રેશન રદ કરવા માટે કાર્યવાહી કરશે.