કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને રૂપિયા ૧.૮૪ કરોડની છેતરપિંડી
દેશમાં ચાલતા ઇન્ફ્રા પ્રોજેક્ટમાં ઓળખાણ હોવાનું કહી વિશ્વાસ કેળવ્યો
લેબર કોન્ટ્રાક્ટ કંપની ચલાવતા વ્યક્તિને એલ એન્ડ ટી સહિતની કંપનીના બનાવટી લેટર મોકલ્યાઃઅમદાવાદ ક્રાઇમબ્રાંચે બે શખ્સો સામે ગુનો નોંધ્યો
અમદાવાદ,શનિવાર
અમદાવાદમાં આવેલી લેબર કોન્ટ્રાક્ટ કંપનીને દેશના વિવિધ રાજ્યોમાં ચાલતા ઇન્ફ્રા પ્રોજેક્ટમાં લેબર કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને અલગ અલગ પ્રોસેસીંગ ફી અને કામગીરીના નામે બે ગઠિયાઓએ રૂપિયા ૧.૮૪ કરોડની માતબર રકમ લીધા બાદ વળતર નહી આપીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસ અપાવવા માટે સરકારના તેમજ વિવિધ ઇન્ફ્રા કંપનીના બનાવટી દસ્તાવેજો અને નોટ્સ પણ મોકલી હતી. આરોપીઓએ અન્ય લોકો સાથે આ મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિંડી કરી હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના ઓઢવ અર્બુદાનગરમાં આવેલી વિહળ પાર્ક સોસાયટીમાં રહેતા પકંજભાઇ પાટીલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના પિતા એક લેબર કોન્ટક્ટ કંપની બનાવી હતી. આ કંપની વિવિધ પ્રોજેક્ટમાં લેબર પુરા પાડવાની કામગીરી કરે છે. ગત ઓગસ્ટ ૨૦૨૨માં તેમનો પરિચય કર્ણાટકમાં લેબર કોન્ટ્રાક્ટનું કામ કરતા શીવામુર્તિ રાજપ્પા અને તેના ભાઇ શ્રીનિવાસ રાજપ્પા (રહે.લક્ષ્મીસાગર, જી.દેવાંગેરે, કર્ણાટક) સાથે થયો હતો. તેમણે પંકજભાઇને જણાવ્યું હતું કે આરઆઇબી કંપનીમાં સોલાપુરમાં એક રોડ પ્રોજેક્ટમાં લેબરનું કામ છે. જે માટે તેમણે ખાતરી આપી હતી કે અમે તમારા માટે આ પ્રોજેક્ટમાં કામ કરીશું. આ ઉપરાંત, અન્ય વિજયવાડાના લાર્સન એન્ડ ટુર્બોના પ્રોજેક્ટની ઓફર કરી હતી. આ બંને પ્રોજેક્ટ માટે ૧.૧૬ કરોડ પકંજભાઇ પાસેથી લીધા હતા. તે પછી તબક્કાવાર અન્ય નાણાં મળીને કુલ ૧.૮૪ કરોડ રૂપિયા સુધીની રકમ લીધી હતી. આ દરમિયાન વળતર ન મળતા પંકજભાઇ તપાસ કરતા તેમણે ખાતરી આપી હતી અને નાણાંનું પેમેન્ટ શરૂ થવાની ખાતરી આપતા ઇમેઇલમાં બનાવટી ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. એટલું જ નહી નેશનલ હાઇવે ઓથોરીટીની કામગીરી માટેના લાયસન્સ માટેનો ઇમેઇલ પણ મોકલ્યો હતો. જો કે પંકજભાઇને શંકા જતા તે આરઆઇબી કંપનીની મુંબઇ ઓફિસમાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે શીવામૂર્તિ અને તેના ભાઇએ બનાવટી કોન્ટ્રાક્ટ લેટર બનાવીને છેતરપિડી આચરી હતી. બીજી તરફ બંનેના ઘરે જઇને તપાસ કરતા બંને ભાઇઓ ત્યાં મળી આવ્યા નહોતા. છેવટે આ અંગે પંકજભાઇએ ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં બંને ગઠિયાઓએ આ મોડ્સ ઓપરેન્ડીથી દેશના અન્ય લેબર કોન્ટ્રાક્ટરો સાથે પણ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.