કંપનીના એકાઉન્ટન્ટ દ્વારા બોગસ ડોક્યુમેન્ટથી ૧.૦૮ કરોડ સેરવી લેવાયા
ઓડીટ દરમિયાન છેતરપિંડી સામે આવી
મેન્યુઅલી અને સોફ્ટવેરમાં અલગ અલગ એન્ટ્રી દર્શાવી હતીઃ પોલ ખુલતા આરોપી કર્મચારી ફરાર થઇ ગયો
અમદાવાદ,મંગળવાર
શહેરના ખોખરામાં આવેલી એક કંપનીમાં નોકરી કરતા એકાઉન્ટન્ટે કંપનીમાં મેન્યુઅલી અને સોફ્ટવેરમાં અલગ અલગ એન્ટ્રી કરીને બેંકના બનાવટી દસ્તાવેજ બનાવીને બે વર્ષના સમયગાળામાં રૂપિયા ૧.૦૮ કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે.શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા પ્રમોદભાઇ શાહ ખોખરા મહાવીર એસ્ટેટમાં આવેલી સ્ટીચમેન નામની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમણે તેમની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હાર્દિક શાહ (રહે. ચુનારાનો ખાંચો, શાહપુર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેણે બનાવટી બેંક રીકન્લીલેશન સર્ટિફીકેટ હિસાબમાં રજૂ કર્યા હતા. કંપનીના ચાર્ટડ એકાઉન્ટ દ્વારા ઓડિટ કરવામાં આવ્યું ત્યારે તેણે સર્ટિફીકેટ અને બેંક બેલેન્સમાં તફાવત આવતો હતો. જેથી તેણે હિસાબમાં રજૂ કરેલા નવ જેટલા સર્ટિફીકેટ તપાસવામાં આવ્યા ત્યારે ૧.૦૮ કરોડની રકમનો તફાવત આવતો હતો. આ નાણાં તેણે બનાવટી એન્ટ્રીથી અન્ય એકાઉન્ટમાં ટન્સફર કર્યા હતા. જેના આધારે કંપનીના સંચાલકોએ હાર્દિક શાહને પુછપરછ કરી ત્યારે તેણે ભૂલ કબુલી હતી અને મકાન વેચીને નાણાં ચુકવી આપવાની ખાતરી આપીને ગાયબ થઇ ગયો હતો. આ અંગે ક્રાઇમબ્રાંચે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.