Get The App

મોજશોખ માટે ૧૬૮થી વઘુ એક્ટીવાની ચોરી કરનાર કરોડપતિ ચોરને ઝડપી લેવાયો

સ્કૂટરની ચોરી કરીને થોડા દિવસ ફેરવ્યા બાદ બિનવારસી મુકી દેતો હતો

વર્ષ ૨૦૧૫થી સ્કૂટર ચોરી કરતો હતોઃ અમદાવાદ ક્રાઇમબ્રાંચે ચોરીના ૩૦ જેટલા સ્કૂટર જપ્ત કર્યાઃ વાહનચોરીના અન્ય ભેદ ઉકેલાવાની શક્યતા

Updated: Jan 4th, 2024

GS TEAM


Google News
Google News


મોજશોખ માટે ૧૬૮થી વઘુ એક્ટીવાની  ચોરી કરનાર કરોડપતિ ચોરને ઝડપી લેવાયો 1 - image

અમદાવાદ, ગુરુવાર

અમદાવાદના  વિવિધ વિસ્તારોમાંથી  ૧૬૮થી વધુ સ્કૂટરનો ચોરી કરનાર  એક કરોડપતિ ચોરને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. મોજશોખ પુરા કરવા માટે તે ડુપ્લીકેટ ચાવીથી સ્કૂટરની ચોરી કરતો હતો અને થોડા દિવસ ફેરવ્યા બાદ તેને બિનવારસી મુકીને ચોરીનું અન્ય સ્કૂટર ઉપયોગમાં લેતો હતો. તે ચોકીના સ્કૂટરને પિરાણા પાસેની એક ખુલ્લી જગ્યામાં મુકી રાખતો હતો. સાથેસાથે તે ચોરીના વાહનોને બહાર વેચાણ કરતો નહોતો.  ક્રાઇમબ્રાંચે  પુછપરછ દરમિયાન ૩૦ જેટલા સ્કૂટરનો જથ્થો પણ જપ્ત કર્યો છે. આ અંગે તેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.

મોજશોખ માટે ૧૬૮થી વઘુ એક્ટીવાની  ચોરી કરનાર કરોડપતિ ચોરને ઝડપી લેવાયો 2 - image
અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે  દાણીલીમડા પીરાણા પાસે આવેલા સોમનાથ મહાદેવ જવાના રસ્તા પર એક ખુલ્લી જગ્યામાં મોટાપ્રમાણમાં એક્ટીવા સ્કૂટરનો જથ્થો બિનવારસી હાલતમાં પડયો છે. જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને ત્યાં શંકાસ્પદ રીતે ફરી સ્કુટર પર ફરી  રહેલા હિતેશ કુટરમલ જૈન (રહે.કિરણ એપાર્ટમેન્ટ, શાહીબાગ)ને ઝડપીને તેની પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે  બિનવારસી હાલતમાં પડેલા ૩૦ સ્કૂટરની ચોરી કરી હતી. જેના આધારે હિતેશની અટકાયત કરીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હિતેશ દ્વારા વર્ષ ૨૦૨૩માં જ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાંથી  કુલ ૮૦થી  સ્કૂટરની ચોરી કરવામાં આવી હતી.  તે પહેલા તેણે ૮૭ જેટલા સ્કૂટરની ચોરીમાં સંડોવાયેલો હતો. આમ તેણે વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમાં કુલ ૧૬૮ જેટલા સ્કૂટરની  ઉઠાંતરી કરી હતી.આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર જે એચ સિંધવે જણાવ્યું કે હિતેશની  એક્ટીવા ચોરીની ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી હતી. તે ડુપ્લીકેટ ચાવીથી જુના ઘસાયેલા તાળા વાળા સ્કૂટરને ટાર્ગટ કરતો હતો.જેથી  ગણતરીના મિનિટમાં જ સ્કૂટરનો લોક ખુલી જતું હતું. તે પછી તે સ્કૂટર લઇને ફરતો હતો અને પેટ્રોલ ખુટી જતા તે રસ્તામાં અથવા થોડુ પેટ્રોલ પુરાવાની પિરાણા પાસેની ખુલ્લી જગ્યામાં મુકતો હતો. તેણે અત્યાર સુધીના ચોરીના કોઇ સ્કૂટરને વેચાણ કર્યા નહોતા.સૌથી મહત્વની વાત એ છે કે હિતેશ આર્થિક રીતે સંપન્ન છે અને તેના પિતા શાહીબાગમાં સાડીની દુકાન ધરાવે છે. જ્યારે હિતેશ ધોરણ ૧૦ પાસ છે.તે અગાઉ પણ સ્કૂટર ચોરીના કેસમાં ઝડપાયેલો હતો અને ત્રણ વાર સુરત,પોરબંદર અને  રાજકોટમાં પાસા હેઠળ જેલની સજા કાપી ચુક્યો છે.  જો કે તેને સ્કૂટર ચોરીની આદત પડી ગઇ હોવાથી તે  વાહનની જરૂરિયાત ન હોય તો પણ તે ચોરી કરતો હતો અને વાહનને ફેરવીને બિનવારસી મુકતો હતો.

અનેકવાર એક જ દિવસમાં બે વધુ સ્કૂટરની ચોરી કર્યા

હિતેશ જૈનને સ્કૂટર ચેોરી કરવાની આદત પડી હતી. જેથી તે કોઇ કામ માટે  શહેરના વિવિધ વિસ્તારોમાં પહેલા સ્કૂટરની ચોરી કરતો  હતો અને તે સ્કૂટરનો ઉપયોગ કરતો હતો. જો કે કેટલીકવાર સ્કૂટરમાં પેટ્રોલ ખતમ થઇ જતા તે  અન્ય સ્કૂટરની ચોરી કરતો હતો. આમ, તેણે અનેકવાર બે થી વધુ સ્કૂટરની ચોરી કરી હતી.

સીસીટીવીના ઇ-મેમોથી  બચવા એચએસઆરપી ન પ્લેટમાં છેડછાડ કરતો

પોલીસ દ્વારા કરવામાં આવેલી પુછપરછમાં હિતેશની એક ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી પણ બહાર આવી છે. જેમાં તે સ્કૂટરની ચોરી  કર્યા બાદ એચએસઆરપી નંબર પ્લેટમાં છેડછાડ કરતો હતો. જેથી ટ્રાફિક જંક્શન પરના સીસીટીવી ફુટેજમાં તે ચોરીના વાહનના અસલી એચએસઆરપી પ્લેટનો નંબર પોલીસ મેળવી શકતી નહોતી.

Tags :