બાંગ્લાદેશી યુવતીઓને દેહવિક્રયના ધંધામાં લાવવાનું કૌભાંડ ઝડપાયું
ક્રાઇમબ્રાંચે વસ્ત્રાલમાંથી બે સગીરા અને તેની માતાને મુક્ત કરાવી
સગીર યુવતીઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવીેને એજન્ટની મદદની દેહવિક્રિયના ધંધામાં લઇ જતા હતા
અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ઓઢવમા દરોડો પાડીને બનાવટી દસ્તાવેજના આધારે ભારતમાં રહેતા બાંગ્લાદેશી યુવક અને તેની પત્નીને ઝડપી લીધા હતા. આ ઉપરાંત, બંને માટે બનાવટી આધાર કાર્ડ તૈયાર કરી આપનાર અમદાવાદના સ્થાનિક એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી હતી. બાંગ્લાદેશી યુવકની પુછપરછમાં બાંગ્લાદેશમાંથી યુવતીઓને દેહવિક્રય માટે લાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેના આધારે પોલીસે વસ્ત્રાલમાં આવેલા ગંગા એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને બે બાંગ્લાદેશી સગીર કિશોરીઓ અને તેની માતાને છોડાવીને મુળ પશ્ચિમ બંગાળના એક યુવકને જડપી લીધો હતો. અમદાવાદ ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે જાડેજા અને તેમના સ્ટાફે ચોક્કસ બાતમીને આધારે મુળ બાંગ્લાદેશના નાગરિક મોહમંદ ફારૂક મોહમંદ કરીમ મંડલ ઓઢવ તક્ષશિલા સ્કૂલ પાસેની એક વસાહતમાં તેની પત્ની ફાઇમાને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને બેંકના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ અંગે મોહમંદ કરીમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે વર્ષ ૨૦૧૭માં પાસપોર્ટના આધારે સત્તાવાર રીતે અમદાવાદમાં આવીને રહ્યા હતા. જો કે વિઝાની મુદ્દત પૂર્ણ થયા બાદ તે ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને બાંગ્લાદેશ પરત ગયા હતા. ત્યારબાદ થોડા મહિના પછી તે ગેરકાયદેસર રીતે ફરીથી ભારતમાં આવ્યા હતા અને ગેરકાયદેસર રીતે ભારતીય નાગરિકત્વ મેળવવા માટે કુબેરનગર જી વોર્ડ રહેતા મેહુલ કશ્યપ નામના એજન્ટને આઠ હજાર રૂપિયા આપીને બોગસ આધારકાર્ડ બનાવ્યું હતું. જેના આધારે ઇલેક્શન કાર્ડ અને બેંક એકાઉન્ટ ખોલાવવાની સાથે અન્ય દસ્તાવેજો પણ બનાવ્યા હતા.મોહમંદ ફારૂકે બાંગ્લાદેશમાંથી યુવતીઓને ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરાવીને ગુજરાતમાં લાવીને દેહવિક્રયનું નેટવર્ક પણ ચલાવતો હોવાની ચોંકાવનારી વિગતો પણ પોલીસને મળી હતી.
જેના આધારે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મોહમંદ ફારૂક આ યુવતીઓને નોકરીના બહાને ગુજરાતમાં લાવીને સાગર મિલન મંડલ (રહે. ગંગા એપાર્ટમેન્ટ, વસ્ત્રાલ)ની સાથે મળીને યુવતીઓને ફ્લેટમાં ગોંધી રાખતો હતો. જેના આધારે પોલીસે દરોડો પાડીને પોલીસે સાગર મડલને ઝડપીને બે સગીરા ્અને તેની માતાને છોડાવવામાં આવ્યા હતા.આ અંગે એસીપી ભરત પટેલે જણાવ્યું કે સાગર મંડલ અને મોહમંદ ફારૂક સગીર યુવતીઓને શહેરના વિવિધ વિસ્તારોમાં દેહ વ્યપાર માટે મોકલતા હતા. તેમણે અગાઉ પણ અન્ય યુવતીઓને ગેરકાયદેસર રીતે ગુજરાતમાં લાવી હોવાની શક્યતા છે.
આમ, બાંગ્લાદેશી નાગરિક દ્વારા ગુજરાતમાં મોટા પ્રમાણમાં હ્યુમન ટ્રાફિકીંગનું કૌભાંડ ચલાવવામાં આવતું હોવાની માહિતીને આધારે પોલીસે તમામ આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરી છે.આ ઉપરાંત, પોલીસ મોહમંદ કરીમની પત્ની ફાઇમાની પણ સમગ્ર મામલે પુછપરછ કરી રહી છે. જેમાં પોલીસને કેટલીક અન્ય યુવતીઓ અંગેની કડીઓ મળી છે.