દિલ્હીથી ચોરીની કાર લાવીને ગુજરાતમાં વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું
ક્રાઇમબ્રાંચે ત્રણ લક્ઝરી કાર જપ્ત કરી
ચોરીની કારને બજાર ભાવ કરતા સસ્તા ભાવે ઓફર કરીને વેચાણ કરવામાં આવતી હતી
અમદાવાદ,
બુધવાર
દિલ્હીથી ચોરીની લક્ઝરી ગાડીઓને ગુજરાતમાં દસ્તાવેજ વિના જ બારોબાર વેચાણ કરવાના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ ક્રાઇમબ્રાંચ દ્વારા કરાયો છે. જેમાં એક વ્યક્તિને ત્રણ એસયુવી કાર સાથે ઝડપી લેવાયો છે. ચોરીની કારને બજાર ભાવ કરતા સસ્તા ભાવે ઓફર કરીને વેચાણ કરવામાં આવતી હતી. ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર વી બી આલ અને તેમના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે દિલ્હીથી એસયુવી કારની ચોરી કરીને તેને ગુજરાતમાં લાવીને વેચાણ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જેના આધારે ચાંદખેડા વિસત સર્કલ પાસે ગત રાત્રીએ ભાવેશ ગોહિલ (રહે. અંબિકાનગર, ઉત્તમનગર, નિકોલ)ને એક એસયુવી કાર સાથે ઝડપી લીધો હતો. જેની પાસે કારના કાગળો ન હોવાથી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે રવિ સોંલકી (રહે. ચાંદખેડા) અને શાહપુરમાં રહેતા ઇલીયાસ નામના વ્યક્તિ સાથે છેલ્લાં પાંચ મહિનાથી મળીને કાર લે-વેંચનો વ્યવસાય કરે છે જે દિલ્હીથી આમીરખાન નામના વ્યક્તિ પાસેથી ચોરીની કારને ગુજરાતમાં લાવીને વેચાણ કરતા હતા. ખાસ કરીને ચોરીની એસયુવી કારને તે વેચાણ કરતા હતા. કાર વેચાણ સમયે તે આર સી બુક સહિતના કાગળો પછી મોકલાવી આપવાની શરતે કાર વેચાણની રકમના ૬૦ ટકા એડવાન્સમાં લેતા હતા. જેના આધારે પોલીસે સુરત અને અમદાવાદમાં વેચાણ કરાયેલી કાર સહિત કુલ ત્રણ કાર જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.