ડ્રગ્સને દવાના નામે તૈયાર કરીને યુરોપ અને અમરિકામાં સપ્લાય કરાતુ હતું

મુખ્ય આરોપી જીતેશ પટેલ સહિત તેના ભાગીદારની ધરપકડ

લાખો રૂપિયા કેમીકલની ખરીદી બિલના વિના કરવામાં આવતી હતી ઔરંગાબાદના સૌથી પોશ વિસ્તારમાં કરોડોનું મકાન જીતેશ પટેલે લીધું હતું

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
ડ્રગ્સને દવાના નામે તૈયાર કરીને  યુરોપ અને અમરિકામાં સપ્લાય કરાતુ હતું 1 - image

અમદાવાદ,સોમવાર

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને મહારાષ્ટ્ર ડીઆરઆઇ દ્વારા  પાડવામાં આવેલા દરોડામાં રૂપિયા ૫૦૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો અને ડ્રગ્સ બનાવવાનું મટિરિયલ મળી આવ્યું હતું. બીજી તરફ  પોલીસે મુખ્ય માસ્ટર માઇન્ડ જીતેશ પટેલ અને તેના ભાગીદાર સંદીપકુમાર કુમાવત સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે  આરોપીઓ ફેક્ટરીમાં કેટામાઇનને મોટાપ્રમાણમાં તૈયાર કરીને તેેને દવાની આડમાં પાર્સલ કરીને  અમેરિકા અને ઇગ્લેન્ડ જેવા દેશોમાં સપ્લાય કરતા હતા.ડ્રગ્સના કેસની તપાસમાં આગામી સમયમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ વ્યક્ત કરી છે.


મહારાષ્ટ્રાના ઔરંગાબાદ (છત્રપતિ સંભાજીનગર)માં  અમદાવાદ ક્રાઇમબ્રાંચે બાતમીને આધારે ડીઆરઆઇના અધિકારીઓ સાથે  મહારાષ્ટ્ર જીઆઇડીસીમાં આવેલી  શ્રી મહાલક્ષ્મી કેમીકલ વર્કસ નામની દવાની ફેક્ટરીમાં દરોડો પાડીને જીતેશ હિન્હોિરિયા (પટેલ) અને  તેના પાર્ટનર સંદીપકુમાર કુમાવત (રહે.ઔરંગાબાદ) સહિત ત્રણ લોકોની ધરપકડ કરીને ફેક્ટરી, ઓફિસ અને ઘરમાં સર્ચ ઓપરેશન દરમિયાન  ૩૦ કિલો કોકેઇન, સાડા ચાર કિલો મેફેડ્રોનસાડા ચાર કિલો જેટલુ કેટામાઇન અને  ૧૦ કિલો જેટલું મેફેડ્રોન ઉપરાંત, ડ્રગ્સ બનાવવાનું કેમીકલ અને ૩૦ લાખની રોકડ જપ્ત કરવામાંઆવી હતી.જેના આંતરરાષ્ટ્રીય બજાર કિમંત ૫૦૦ કરોડ જેટલી અંદાજવામાં આવી હતી.  આ અંગે ક્રાઇમબ્રાંચના અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે  જીતેશ અને સંદીપ  વર્ષ ૨૦૧૬-૧૭માં કેમીકલ ફેક્ટરીમાં સાથે નોકરી કરતા હતા.  જીતેશે કેમીકલ વિષયમાં બીએસસી એમએસીનો અભ્યાસ કર્યો હતો અને તે ફાર્મા કંપનીમાં ડ્રગ્સ બનાવવાની ફોર્મુલા જાણી ગયો હતો. જે પછી તેણે તેના મિત્ર સાથે દવાનું જોબ વર્ક કરવાના બહાને ડ્રગ્સનો કારોબાર કરવા માટે મહાલક્ષ્મી કેમીકલ વર્કસ નામની તૈયાર ફેક્ટરીને ટેકઓવર કરી લીધી હતી.  તે પહેલા તેણે એમ ડી અને કોકેઇન તૈયાર કરીને સમગ્ર ભારતમાં સપ્લાય કરવાની સિસ્ટમ પણ સેટઅપ કરી હતી. તે પછી વિદેશી ડ્રગ્સ માફિયાઓની લીંક મેળવીને ફેક્ટરીમાં કેટામાઇન બનાવીને અમેરિકા અને ઇંગ્લેન્ડ સહિતના દેશોમાં ડ્ગ્સ સપ્લાય કરવા માટેના કોન્ટ્રાક્ટ લીધા હતા.  કરોડો રૂપિયાનું ડ્રગ્સ તૈયાર કરવા માટે મોટા પ્રમાણમાં  કેમીકલની જરૂરિયાત રહેતી હતી.  આ તમામ કેમીકલને બીલ વિના રોકડથી  ખરીદી કરવામાં આવતું હતું. 

આ ઉપરાંત જીતેશની પુછપરછમાં એવી વિગતો બહાર આવી હતી કે  તેણે નજીકમાં આવેલા વાલુજમાં ગીતા કેમીકલ નામની કંપનીમાં ભાગીદારી કરી હતી. જેથી ક્રાઇમબ્રાંચ અને ડીઆરઆઇ આ કંપનીના મુળ માલિકની પુછપરછ કરશે. દવા બજારમાં પોતાની એક મોટા વેપારી તરીકેની છાપ જમાવવા માટે  જીતેશે વર્ષ ૨૦૨૨માં ઔરંગાબાદમાં કેમીકલ કન્સલટન્સીનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેમાં તે કેમીકલ ફેક્ટરી સેટઅપ કરવા માટે માર્ગદર્શન આપતો હતો. જીતેશની વૈભવી લાઇફ સ્ટાઇલ પણ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય હતો. તેણે ડ્રગ્સના કારોબારથી  ઔરંગાબાદના  સૌથી પોશ ગણાતા ગોલવાડી વિસ્તારમાં ફ્લોરેન્ઝા વિલાની ખરીદી કરી હતી.

 

જીતેશે કેમીકલનો  ધંધો અમદાવાદથી શરૂ કર્યો હતો


જીતેશ મુળ બોટાદનો વતની હતો. તેણે પોતાના કેમીકલના કામની શરૂઆત અમદાવાદથી શરૂ કર્યો હતો. આ દરમિયાન તે ચાંદખેડામાં રહેતો હતો. જે બાદ તેણે સુરતમાં અને  તે પછી ઔરંગાબાદમાં નોકરી કરી હતી.  આ દરમિયાન તેણે તેના મિત્ર સાથે મળીને ઔરંગાબાદમાં ફેક્ટરી ટેકઓવર કરીને  સફેદ ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કર્યો હતો.

 

જીતેશ અને સંદીપે ગુજરાતમાં અનેકવાર  ધંધાના નામે મીટીંગ યોજી હોવાના પુરાવા મળ્યા


પોલીસે જીતેશ અને તેના ભાગીદાર પુછપરછ દરમિયાન તેમના  ગુજરાત અને અન્ય રાજ્યોમાં ચાલતા નેટવર્ક અંગેની માહિતી પણ મેળવી છે. જેમાં બંને જણા દવાના જોબવર્કના નામ અમદાવાદ, સુરત, રાજકોટ, અંક્લેશ્વર જેવા શહેરોમાં આવી ચુક્યા હતા. આ દરમિયાન તેમણે કેટલાંક લોકો સાથે મીંટીગ કરી હતી. જે ડ્રગ્સના અનુસંધાનમાં થઇ હોવાની શક્યતાને આધારે ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News