ઓરિસ્સામાંથી આવેલા ગાંજામાંથી ૫૦૦ કિલો ભરૂચમાં સપ્લાય કરાયો

અમદાવાદમાંથી જપ્ત કરાયેલા ગાંજાનો મામલો

૫૦૦ કિલો ગાંજાની ડીલીવરી લેનાર ડ્રગ્સ પેડલરની ભરૂચમાંથી ધરપકડ સુરતમાં ડ્રગ્સ માફિયાનું કનેકશન હોવાની શક્યતાઃ તપાસમાં અન્ય નામ ખુલ્યા

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
ઓરિસ્સામાંથી આવેલા ગાંજામાંથી ૫૦૦ કિલો ભરૂચમાં સપ્લાય કરાયો 1 - image

અમદાવાદ,રવિવાર

ઓરિસ્સાથી આવેલા ૨૦૦ કિલો ગાંજા સાથે સાત લોકોની ધરપકડ કર્યા બાદ ક્રાઇમબ્રાંચે શરૂ કરેલી તપાસમાં અનેક મોટા ખુલાસા થયા છે. જેમાં ઓરિસ્સાના ગંજામથી ૧૧૦૦ કિલો જથ્થો લાવીને વિવિધ રાજ્યોમાં સપ્લાય કરાયો હતો. જે પૈકી ૫૦૦ કિલો ગાજો ભરૂચમાં અપાયો હતો. આ અંગે ક્રાઇમબ્રાંચે ભરૂચમાંથી મુસ્તકિમ બેલીમ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. જો કે પોલીસ તેના સુધી પહોંચે તે પહેલા જ તેણે ૫૦૦ કિલો ગાંજો સગેવગે કરી દીધો હતો. આ સમગ્ર મામલે ક્રાઇમબ્રાંચની એક વિશેષ ટીમ તપાસ કરી રહી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફે વટવા જીઆઇડીસીમાંથી રૂપિયા ૪૨ લાખની કિંમતનો ૨૦૦ કિલો ગાંજા જપ્ત કરીને ઓરિસ્સાના ગંજામથી માલને મોકલનાર બે વ્યક્તિ સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. જો કે ક્રાઇમબ્રાંચને ચોક્કસ બાતમી હતી કે ઓરિસ્સાથી ૨૦૦ કિલો નહી પણ ૧૧૦૦ કિલો ગાંજો ટ્રકમાં લોડ કરાયો હતો.

જેથી બાકીનો ૯૦૦ કિલો ગાંજો અન્ય રાજ્યોમાં સપ્લાય કરાયાની આશંકાને આધારે પોલીસે  આરોપીઓની આકરી પુછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે ટ્રકમાંથી ૫૦૦ કિલો ગાંજો ભરૂચમાં સપ્લાય કરાયો હતો. માત્ર ૧૦ થી ૧૫ મિનિટમાં જ મુસ્તકીમ બેલિમ (રહે. સનોબર રોડ, ભરૂચ)  નામનો ડ્રગ્સ પેડલર ૫૦૦ કિલો ગાંજાનો લઇને જતો રહ્યો હતો.  જો કે પોલીસ તેના સુધી પહોંચે તે પહેલા જ તેણે ગાંજાના તમામ જથ્થો બારોબાર સગેવગે કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ પોલીસે ભરૂચથી મુસ્તકીમની ધરપકડ કરીને  તેના સ્થાનિક નેટવર્કની સાથે ઓરિસ્સાના ડ્રગ્સ સ્પલાયર્સના કનેકશન અંગે વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અજય શાહુ અને લાબા ગૌડા આ સમગ્ર નેટવર્કના મુખ્ય  આરોપી છે. જે ગુજરાતમાં મોટાપાયે ગાંજો સપ્લાય કરતા હોવાની શક્યતા છે.

 જેસલમેર-સાબરમતી એક્સપ્રેસમાંથી ગાંજો મળી આવ્યો

રેલવે પોલીસનો સ્ટાફ શનિવારે ભીલડી સ્ટેશનથી સાબરમતી સ્ટેશન સુધી જેસલમેર-સાબરમતી એક્સપ્રેસમાં ડયુટી પર હતા ત્યારે કોચ નંબર એસઇ-૨ના કોરીડોરમાં બે બિનવારસી બેગ મળી આવી હતી. જેમાં તપાસ કરતા તેમાંથી ૧૦ કિલો ગાંજો મળી આવ્યો હતો.  આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News