Get The App

પંચ તરીકે આવેલા બે વ્યક્તિઓએ નજર ચુકવીને સોનાની લગડીની ચોરી કરી

સીઆઇડી ક્રાઇમના પીએમ આંગડિયાની પેઢીમાં દરોડા દરમિયાન ચોરી કરી

પોલીસને શંકા જતા આરોપીઓએ ગુમ થયેલી લગડી મળી હોવાનું નાટક કરીને પરત કરી દીધીઃ સીસીટીવી ફુટેજ તપાસ કરતા ચોરીની પોલ ખુલી

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
પંચ તરીકે આવેલા બે વ્યક્તિઓએ નજર ચુકવીને સોનાની લગડીની ચોરી કરી 1 - image

 અમદાવાદ, ગુરૂવાર

સીઆઇડી ક્રાઇમ દ્વારા દોઢ મહિના પહેલા અમદાવાદ , વડોદરા અને સુરતમાં આવેલી વિવિધ આંગડિયા પેઢીમાં સામુહિક દરોડાની કામગીરી કરી હતી. જેમાં અમદાવાદના સીજી રોડ પર આવેલી  પી એમ આંગડિયાની પેઢીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. સર્ચ દરમિયાન પોલીસને સોનાની ૧૦ લગડી અને રોકડ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે જમા લઇને બીજા દિવસે તપાસ કરવામાં આવી ત્યારે રૂપિયા સાત લાખની કિંમતની એક લગડી ગાયબ હતી. જો કે તપાસ દરમિયાન તે લગડી મળી આવી હતી. પરંતુ, પોલીસને આ બાબતે શંકા ઉપજી હોવાથી તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસ દરોડામાં પંચ તરીકે આવેલા બે વ્યક્તિઓ દ્વારા જ સોનાની લગડીની ચોરી કરવામાં આવી હોવાનું સીસીટીવી ફુટેજમાં સામે આવ્યું હતું. જેના આધારે સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા ગત નવમી મેના રોજ અમદાવાદ, સુરત અને વડોદરામાં ૧૫ જેટલી આંગડિયા પેઢીઓ પર સામુહિક દરોડા પાડવામા ંઆવ્યા હતા. જેમાં સી જી રોડ ઇસ્કોન આર્કેડમાં આવેલી પી એમ આંગડિયા પેઢી પર પણ પોલીસે  સુમિત સોની (રહે.પીપળીવાળી પોળ, દરિયાપુર) અને અરવિંદ ગોહિલ (રહે.મનસુખપુરાની ચાલી, દરિયાપુર)ને પંચ તરીકે સાથે રાખીને દરોડો પાડયો હતો. જેમાં પોલીસને ૭૩ લાખની રોકડ, સોનાની ૧૦ લગડી તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી આવી હતી. જે એકઠી કરીને ઇન્કમ ટેક્ષ વિભાગને જાણ કરવામાં આવી હતી. સાથેસાથે જપ્ત કરેલો મુદ્દામાલ પેઢીના મેનેજરની હાજરીમાં લોકરમાં મુકવામાં આવ્યો હતો.  આ દરોડામાં તપાસની કામગીરી બીજા દિવસે પણ ચાલુ હોવાથી પોલીસ સ્ટાફ પંચ સાથે સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં લોકરમાંથી ૧૦ના બદલે નવ લગડીઓ મળી આવી હતી. જેથી તપાસ કરતા એક લગડી મળી આવી હતી.  પરંતુ, આ મામલે પોલીસને શંકા હોવાથી સીસીટીવી ફુટેજ તપાસવામાં આવ્યા હતા. જેમાં પંચ તરીકે આવેલા સુમિતને  અરવિંદ ગોહિલે લગડી આપી હોવાનું જણાય આવ્યું હતું. જો કે બીજા દિવસે તેમણે લગડી પેઢીની ઓફિસમાં પરત મુકી દીધી હતી. આ  અંગે સીઆઇડી ક્રાઇમે અરવિંદ ગોહિલ  અને સુમિત સોની વિરૂદ્વ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.


Google NewsGoogle News