અમદાવાદની સરહદો સીલ, પોલીસની સાથે CRPF, BSF પણ બંદોબસ્ત સંભાળશે
- સંપૂર્ણ લોકડાઉનના ચુસ્ત અમલ માટે હવે CRPF, BSF મેદાને
અમદાવાદ, તા. 12 એપ્રીલ 2020, રવિવાર
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે અને તેના કારણે સંપૂર્ણ લોકડાઉનની ફરજ પડી રહી છે. સંપૂર્ણ લોકડાઉન માટે હવે CRPF, BSFની મદદ લેવામાં આવશે. કોરોનાના સંક્રમણને વધારે ફેલાતુ અટકાવવા અમદાવાદને સંપૂર્ણ સીલબંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જો સંપૂર્ણ રીતે શહેરને સીલબંધ કરવામાં આવશે તો જ ત્રીજા તબક્કાની મહામારી અને મૃત્યુદરમાં ઘટાડો કરી શકાશે. અમદાવાદ સિવાય કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા છે તેવા વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ સરહદો સીલ કરી દેવામાં આવશે.

કોરોના વાયરસનો કહેર અમદાવાદ અને વડોદરામાં વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં 282 કુલ કેસ થયા છે. જેમાં આજે 16 નવા કેસ ઉમેરાયા હતા, અમદાવાદમાં જોઈએ તો, મોટેરા, મણિનગર, દાણીલીમડા, નરોડા , ઈસનપુર, રાયખડ, ઓઢવ વિસ્તારમાં કોરોના ના કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે વડોદરામાં આજે 6 નવા કેસ આવ્યા છે, જ્યાં હવે કેસની સંખ્યા 101 થઈ ગઈ છે.
મહત્વનું છે કે શરૂઆતમાં એક દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું. બાદમાં 21 દિવસના લોકડાઉનમાં પણ સામાન્ય લોકો ઘરની બહાર નીકળતા હતા. જેમના પર કડક કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં તેઓ બહાર નીકળી રહ્યા હતા. ત્રીજા તબક્કામાં પણ હતી તેવી જ સ્થિતિ રહી જેથી આ નિર્ણય લેવાયો.