અમદાવાદમાં ૯.૭ ડિગ્રી : સિઝનમાં પ્રથમવાર ૧૦થી નીચું તાપમાન
-નલિયામાં ૫.૮ : ૭ શહેરમાં ૧૧ ડિગ્રીથી નીચું તાપમાન
-આગામી ૩ દિવસ લઘુતમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો વધારો થતાં ઠંડીમાં સાધારણ ઘટાડાની શક્યતા
અમદાવાદ, મંગળવાર
અમદાવાદમાં વર્તમાન
સિઝનમાં પ્રથમવાર સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો છે. ગત રાત્રિએ
અમદાવાદમાં ગત રાત્રિએ ૯.૭ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો
ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં મોટાભાગના શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે
નોંધાયો હતો. જેમાં નલિયા ૫.૮ ડિગ્રી સાથે
ઠંડુંગાર રહ્યું હતું.
અમદાવાદમાં છેલ્લા
૧૦માંથી ૮ વર્ષમાં ડિસેમ્બર દરમિયાન કમસેકમ એકવાર લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી
નીચે ગયો છે. જેમાં ગત વર્ષે ૨૮ ડિસેમ્બરે ૮.૩ ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન
નોંધાયું હતું. ૨૭ ડિસેમ્બર ૧૯૮૩ના ૩.૬ ડિગ્રી સાથે અમદાવાદમાં ઓલટાઇમ રેકોર્ડ લઘુતમ
તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી
અનુસાર અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ૧૩ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહેશે. હવામાન અંગે
આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી ૨૨થી ૨૬ ડિસેમ્બર ઠંડીમાં સાધારણ ઘટાડો
થશે. જોકે, ૨૮ ડિસેમ્બર બાદ ઠંડીમાં ફરી વધારો થઇ શકે છે.
રાજ્યમાંથી અન્યત્ર
જ્યાં ૧૦ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં અમદાવાદ-નલિયા ઉપરાંત ડીસા, અમરેલીનો
પણ સમાવેશ થાય છે. વડોદરામાં ૧૦.૪ જ્યારે રાજકોટમાં ૧૧.૩ ડિગ્રી સાથે કડકડતી ઠંડીનો
અનુભવ થયો હતો. વડોદરામાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ડિસેમ્બરમાં લઘુતમ તાપમાનનો પારો
૧૦થી નીચે ગયો હોય તેવું માત્ર ૨૦૧૪ અને ૨૦૧૮માં જ બન્યું છે. હવામાન વિભાગે જણાવ્યું
છે કે, 'આગામી ૩ દિવસ લઘુતમ તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો વધારો થઇ શકે છે. આ પછીના બે દિવસ
દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. '
ગુજરાતમાં ક્યાં
વધારે ઠંડી?
શહેર ઠંડી
નલિયા ૫.૮
અમરેલી ૯.૬
અમદાવાદ ૯.૭
ડીસા ૯.૮
જુનાગઢ ૧૦.૦
વડોદરા ૧૦.૪
પોરબંદર ૧૦.૬
રાજકોટ ૧૧.૩
ભાવનગર ૧૧.૪
ભૂજ ૧૧.૬
પાટણ ૧૨.૦
સુરત ૧૪.૦