યુરોપિયન દેશોમાં વિઝા-પીઆરના નામે એજન્ટોએ લાખો વસુલવાનું શરૂ કર્યું

અમેરિકામાં કબુતરબાજી પર તવાઇ આવતા એજન્ટોએ નવો ટ્રેન્ડ શરૂ કર્યો

યુરોપ સહિતના દેશોમાં અમેરિકા કરતા વધારે ફાયદો થશે તેવી લાલચ આપીને વિશ્વાસમાં લઇને થતી છેતરપિંડીઃ લેભાગુ એજન્ટોથી સતર્ક રહેવા તાકીદ

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
યુરોપિયન દેશોમાં વિઝા-પીઆરના નામે  એજન્ટોએ લાખો વસુલવાનું શરૂ કર્યું 1 - image

અમદાવાદ,રવિવાર

અમેરિકામાં ગેરકાયદેસર રીતે ચાલતી કબુતરબાજી પર સરકારની કાર્યવાહી કરતા હવે એજન્ટોએ  યુરોપિયન દેશો અને કેનેડા સહિતના દેશોમાં કાયમી સીટીઝનશીપ અને નોકરીની ઓફર આપીને લાખો રૂપિયા ખંખેરવાનું શરૂ કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે યુરોપિયન દેશોમાં વિઝા પ્રોસેસ સરળ હોવા છતાંય નાના શહેરોમાં રહેતા યુવકોને ગેરમાર્ગે દોરીને નાણાં પડાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ અંગે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને કેટલાંક એજન્ટો અંગે માહિતી મળી છે. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવવા માટે ચાલતી કબુતરબાજીનો મોટાપ્રમાણમાં પર્દાફાશ થવાની સાથે અનેક એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.  જ્યારે અમેરિકા મોકલવા માટેનો ગેરકાયદેસર કારાબોર કરતા એજન્ટોએ ગ્રામ્ય વિસ્તારના લોકોને યુરોપિયન દેશોમાં કાયમી નાગરિકતા અને નોકરીની ખાતરી આપીને વિઝા તેમજ અન્ય પ્રોસેસના નામે લાખો રૂપિયા વસુલવાનું શરૂ કર્યું છે.  જેમાં ઓસ્ટ્રિયા, ડેનમાર્કફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઇટાલી, પોર્ટગલ સહિતના યુરોપિયન દેશો તેમજ  યુ. કે અને કેનેડા જેવા દેશો માટે એજન્ટોએ નવી છેતરપિંડી શરૂ કરી છે.  સામાન્ય રીતે યુરોપિયન અને અન્ય દેશોની વિઝા પ્રક્રિયા અમેરિકા કરતા સરળ છે અને ત્યાં નોકરી તેમજ કાયમી નાગરિકતા પણ સામાન્ય શરતો સાથે મળે છે. જે બાબતે મોટા શહેરોના લોકો જાગૃત છે. પરંતુ, નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં  યુવાનોને ખાસ જાણકારી ન હોવાની વાતનો ગેરલાભ ઉઠાવીને  એજન્ટો નોકરીની ગેંરટી આપીને અમેરિકાના બદલે યુરોપિયન દેશોમાં સારી તક હોવાનું કહીને ૫૦ લાખ રૂપિયા સુધીની ઉઘરાણી કરવામાં આવે છે.ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવકોને ટારગેટ કરવામાં આવે છે. જેમાં કેટલાંક યુવાનોને  ફિનલન્ડ અને ડેનમાર્ક પહોંચ્યા બાદ એજન્ટે વધારે નાણાં ઉઘરાવ્યાનું જાણવા મળ્યું હતું. આ અંગે સીઆઇડી ક્રાઇમને પણ લીડ મળી છે. જેના તપાસ કરવામાં આવી રહી છે.આ અંગે એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે  અમેરિકાના વિઝા કૌભાંડને લઇને હજુપણ તપાસ ચાલી રહી છે. તે દરમિયાન યુરોપના દેશોમા મોકલીને છેતરપિંડી કરવામાં આવે છે.  જેને લઇને આગામી સમયમાં મોટો ખુલાસો થવાની શક્યતા છે.  યુરોપિયન દેશો સહિત કુલ ૧૬ જેટલા દેશોની સરકાર વતી સત્તાવાર રીતે વિઝાની કામગીરી કરતા વીએસએફ ગ્લોબલના સૌમિકમિત્રએ જણાવ્યું કે અમેરિકામાં સીટીઝનશીપ અને વર્ક પરમીટની પ્રક્રિયા જટીલ હોવાથી ભારતમાંથી અન્ય દેશોમાં નોકરી અને અભ્યાસનો ક્રેઝ વધ્યો છે. જેના કારણે માત્ર ગુજરાતમાંથી જ કોવિડની સ્થિતિ બાદ વિઝા અરજીમાં ૩૨ ટકાનો વધારો નોંધાયો છે. જેનો લાભ કેટલાંક લેભાગુ તત્વો લઇ રહ્યા છે. જેથી હંમેશા પ્રમાણિત એજન્સી અને સરકારના નિયમો મુજબ વિઝા પ્રોસેસ કરવી જોઇએ. જેથી છેતરપિંડીનો ભોગ બનતા અટકી શકાય. બીજી સૌથી મહત્વની બાબત એ છે કે  કોઇ એજન્ટ કે એજન્સી સત્તાવાર રીતે કોઇને વિઝા અપાવવાની સત્તા ધરાવતા નથી. જેથી  ચેતીને વિઝા પ્રક્રિયા કરવી જરૂરી છે.


Google NewsGoogle News