બીજી સ્ત્રી સાથે સબંધ રાખવાની ના પાડી તો પતિએ છૂટાછેડા માટે દબાણ કરી ધમકી આપી
વટવામાં લગ્નના ૧૬ વર્ષ પછી મહિલાને માનસિક, શારિરીક ત્રાસ શરુ
પત્નીની હાજરીમાં બીજી મહિલા સાથે વિડિયો કોલ કરી પત્નીને મારઝૂડ કરતો
અમદાવાદ, મંગળવાર
વટવામાં લગ્નના ૧૬ વર્ષ પછી બીજી મહિલા સાથે પ્રેમ સંબધ રાખીને પત્નીને મારઝૂડ કરીને માનસિક-શારિરીક ત્રાસ આપતો હતો અને પત્નીની નજર સામે જ બીજી સ્ત્રી સાથે વિડિયો કોલ કરીને પત્નીને મારતો હતો. એટલું જ નહી પત્નીએ બીજી મહિલા સાથે પ્રેમ સબંધ નહી રાખવાનું કહેતા પતિએ છૂટાછેડા લેવા માટે દબાણ કરીને જો તું છૂટાછેડા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વટવા પોલીસે પતિ સહિત સાસરીના સભ્યો સામે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.
પત્નીની હાજરીમાં બીજી મહિલા સાથે વિડિયો કોલ કરી પત્નીને મારઝૂડ કરતો ઃ પતિ, સાસુ ,સસરા નણંદના ઘરે રહેવા જતા રહ્યા
વટવામાં રહેતી ૩૫ વર્ષની મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત પરિવારના પાંચ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૧૬ વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન બાદ મહીલા સાસરીમાં પતિ સાથે રહેતી હતી પરંતુ બે વર્ષ પહેલા પતિ બીજી મહિલા સાથે પ્રેમ સબંધ રાખતા હતા અને ફોન ઉપર વાતચીત કરતા હતા. જેથી મહિલાએ સબંધ નહી રાખવાનું કહેતા પતિ અવાર નવાર તકરાર કરીને ગાળો બોલતો હતો.
એટલું જ નહી પતિ પત્નીની હાજરીમાં તેની પ્રેમિકા સાથે વિડિયો કોલ કરીને મહિલા સાથે મારઝૂડ કરતો હતો. મહિલાએ સાસું, સસરાને વાત કરી તો તેઓ પણ પતિની તરફેણ કરીને તેની સાથે તકરરા કરતા હતા અને તું કેમ મારા દિકરાને બોલે છે તે જેમ કરે તેમ કરવા દે તેમ કહેતા હતા. પતિના બીજી મહિલા સાથે આડા સબંધનો વિરોધ કરતા મહિલાને છૂટાછેડા આપવા પતિ દબાણ કરતો અને છૂટાછેડા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને ઘરખર્ચ પણ આપતો ન હતો, તાજેતરમાં મહિલાને સાસરીમાં એકલી મૂકીને પતિ તથા સાસુ અને સસરા નણંદના ઘરે રહેવા જતા રહ્યા હતા. આખરે કંટાળીને મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં સાસરીયા સામે ફરિયાદ કરતા પોલીસે માનસિક તેમજ શારિરીક ત્રાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.