Get The App

આંગણવાડી કાર્યકર, તેડાગર મહિલાઓની સરકારી મોબાઇલ જમા કરાવવા જાહેરાત

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
આંગણવાડી કાર્યકર, તેડાગર મહિલાઓની સરકારી મોબાઇલ જમા કરાવવા જાહેરાત 1 - image


રાજકીય જાહેરસભાને ઝાંખી પાડે તેવી સંખ્યા થઇ

ગાંધીનગરના પુન્દ્રાસણ ગામે યોજાયેલી આગામી રણનીતિ ઘડવા સંબંધી ખાસ બેઠકમાં રાજ્યભરમાંથી મહિલાઓ ઉમટી પડી હતી

ગાંધીનગર :  ગાંધીનગર સહિત રાજ્યભરનાં આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતી કાર્યકર અને તેડાગર મહિલાઓ દ્વારા સરકારના અન્યાય સામે બાંયો ચઢાવીને કામગીરીનો બહિસ્કાર કર્યો છે. તેમને પ્રતિક ઉપવાસ પર બેસવાની મંજુરી નહીં અપાતા પુન્દ્રાસણ ગામે આગામી રણનીતિ ઘડવા સંબંધેની બેઠકમાં રાજ્યભરમાંથી મહિલાઓ ઉમટી હડી હતી. સાથે જ આવતિકાલથી સરકારી મોબાઇલ ફોન જમા કરાવી દેવાની જાહેરાત કરવામાં આવી હતી.

સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવા ઉપરાંત લઘુતમ વેતન ધારાનો અમલ, આંગણવાડીનો સમય સવારે ૧૦થી ૩નો કરવા અને તેના પહેલા કે ત્યાર બાદ કોઇ કામગીરી નહીં સોંપવા, ૪૫ વર્ષની વય મર્યાદાનો નિયમ રદ કરવા, ખાલી જગ્યાઓ તાત્કાલીક ભરવા, આઇસીડીએસ સિવાયની કામગીરી લેવાની પ્રથા બંધ કરવા, અન્ય ખાતામાંથી આવેલા કાર્યકર્તાની સિનીયોરિટી મુળ નોકરીમાં હાજરથયાની તારીખથી જ ગણવા, પોષણસુધાની કામગીરી અન્ય વિભાગને સોંપવા, રજીસ્ટર અથવા મોબાઇલ એપ બેમાંથી એક જ પદ્ધતિનો અમલ કરવાની સાથે કાર્યકરોના પર્સનલ મોબાઇલનો સરકારી કામમાં ઉપયોગ કરવાનો દુરાગ્રહ છોડવા સહિતની માંગણીઓ સરકાર સમક્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત આંગણવાડી કાર્યકરોને નોટિસ કે બચાવની તક આપ્યા વગર પગાર કાપની એકતરફી કાર્યવાહી બંધ કરવા અને દર મહિને ૧થી ૮ તારીખ સુધીમાં પગાર કરવાની વ્યવસ્થા ગોઠવવાની માંગણી સાથે ગાંધીનગર જિલ્લાની ૯૫૧ આંગણવાડીની કર્મચારી મહિલાઓ સહિત રાજ્યભરની આંગણવાડી કર્મચારી મહિલાઓ દ્વારા સરકાર સામે આંદોલન છેડવામાં આવ્યું છે.

નોંધવું રહેશે, કે છેલ્લે ગાંધીનગર નજીક રાંધેજામાં એકત્ર થઇને સરકાર દ્વારા દિવાળી પહેલા પ્રશ્નો ન ઉકેલાય તો ઉપવાસ આંદોલન છેડવાની જાહેરાત બાદ ગત તારીખ ૨૮મીથી ૩૦મી સુધી મામલતદાર કચેરી સામે પ્રતિક ઉપવાસ પર બેસવા માટે મંજુરી માંગવામાં આવી હતી. પરંતુ સરકારે મંજુરી આપી ન હતી. હવે રણચંડી બનવા તરફ આગળ વધી રહેલી આ મહિલાઓ દ્વારા ગાંધીનગરના પુન્દ્રાસણ ગામે એકત્ર થઇને નારીશક્તિ ઝીંદાબાદના નારા લગાવવા સાથે આઈ.સી.ડી.એસની તમામ કામગીરીના બહિષ્કારની લડત ચાલુ રાખીને વધારામાં આવતિકાલથી સરકારી મોબાઇલ ફોન જમા કરાવી દેવાની જાહેરાત કરાઇ હતી.


Google NewsGoogle News