કેતકી વ્યાસે કલેક્ટરની વિડીયો ક્લીપની પેન ડ્રાઇવ મિડીયામાં મોકલી
જયેશ પટેલે કલેક્ટરને ક્લીપ બતાવીને ફાઇલ ક્લીકર કરવા ધમકી આપી
જે ડી પટેલના કહેવાથી હરીશ ચાવડાએ ડી એસ ગઢવી પાસે મોકલવા માટે છોકરીની વ્યવસ્થા પણ કરી આપીઃ અન્ય સ્ટાફની પણ પુછપરછ કરાશે
આણંદ,શનિવાર
આણંદના તત્કાલિન કલેક્ટર ડી એસ ગઢવીની એક યુવતી સાથે વાંધાજનક ક્લીપ વાયરલ થવાના મામલે નોંધાયેલી ફરિયાદમાં અનેક સ્ફોટક બાબતનો સમાવેશ કરાયો છે. જેમાં એડીશનલ કલેક્ટર કેતકી વ્યાસે પહેલા સ્ટાફને ગેરમાર્ગે દોરવા માટે કહ્યું હતુ કે ડી એસ ગઢવી તેને મળવા માટે સર્કિટ હાઉસ તેમજ અન્ય સ્થળોએ બોલાવે છે. જેથી તેમનો ખેલ પાડવો પડશે. બાદમાં નાયબ મામલતદાર જે જી પટેલ અને રેવન્યુના કેસ લડતા હરીશ ચાવડાની મદદથી વિવાદાસ્પદ જમીનના કેસની ફાઇલ ક્લીયર કરાવવા માટે હનીટ્રેપ ગોઠવી હતી. જે માટે હરીશ ચાવડાએ જે ડી પટેલના કહેવાથી છોકરીની વ્યવસ્થા ગોઠવી હતી. જેમાં અંતે ચાર મહિના પહેલા ગઢવીની ક્લીપ રેકોર્ડ થતા કેતકી વ્યાસના કહેવાથી ખુદ નાયબ મામલતદાર જે ડી પટેલે કલેક્ટરને ક્લીપ બતાવીને બ્લેકમેઇલ કરીને ફાઇલ પર સહી કરવા માટે કહ્યું હતું. આમ, હની ટ્ેપ મામલે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો ફરિયાદમાં કરાયો છે. ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જે પી રોજીયાએ આણંદ ટાઉન ખાતે નોંધાવેલી ફરિયાદ મુજબ ડી એસ ગઢવીના ક્લીપ કાંડની માસ્ટર માઇન્ડ એડીશનલ કલેક્ટર કેતકી વ્યાસ છે. જે બાદ ચીટનીસ જે ડી પટેલ અને હરીશ ચાવડાની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ગત ઓક્ટોબર ૨૦૨૨થી આણંદના કલેક્ટર તરીકે ડી એસ ગઢવીએ ચાર્જ લીધા બાદ તેમણે કેતકી વ્યાસ દ્વારા આપવામાં આવતી જમીનની ફાઇલો પર સહી કરવામાં આનાકાની કરીને વાંધા કાઢ્યા હતા. જેના કારણે તેની ઉપરની આવક ઘટી ગઇ હતી. જે કેતકી વ્યાસે નાયબ મામલતદાર જે ડી પટેલ અને પોતાના પીએ ગૌતમ ચૌધરીને મળીને કહ્યું હતું કે ડી એસ ગઢવી તેને સર્કિટ હાઉસમાં મળવા માટે, બહાર જમવા જવા માટે બોલાવે છે. જે યોગ્ય નથી જેથી ગઢવીને સબક શીખવવા કઇક કરવુ પડશે. ત્યારબાદ ચાર મહિના પહેલા જે ડી પટેલને બોલાવીને કહ્યું હતું કે કલેક્ટરની ઓફિસમાં ગુપ્ત કેમેરા ગોઠવીને કોઇ છોકરી મોકલીને તેમને હનીટ્રેપમાં ફસાવી દીધા બાદ વિડીયો રેકોર્ડીંગ વાયરલ કરવાની ધમકી આપીને વિવાદાસ્પદ જમીનોની ફાઇલ ક્લીયર કરાવી દઇએ. જેમાં પાર્ટી પાસેથી મોટી રકમ મળશે. જે અડધી અડધી વેચી લઇશુ. જે બાદ જે ડી પટેલે ગુગલ પરથી સર્ચ કરીને ત્રણ સ્પાય કેમેરા હરીશ ચાવડાના નામે મંગાવ્યા હતા. બાદમાં જે ડી પટેલ હરીશ ચાવડાને છોકરીને વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું અને એક સીટીંગ દીઠ છોકરીને પાંચ હજાર આપવા અને ફાઇલ પર સહી કરાવી લેવાના બદલામાં ૨૫ હજાર આપવાની વાત કરી હતી. બાદમાં જે ડી પટેલે કલેક્ટરની ખુરશી જમણી બાજુ એક, બીજો સ્વીચ બોર્ડમાં લગાવ્યા બાદ એક છોકરીને કલેક્ટર ઓફિસમાં મોકલી હતી. ૧૦ દિવસ બાદ કેમેરાનું રેકોર્ડીંગ મળ્યું હતું જેમાં કેતકી વ્યાસે તેની પીએને રેકોર્ડીંગની કોપી કાઢવા માટે કહ્યું હતું અને તપાસતા કલેક્ટર વાંધાજનક સ્થિતિમાં યુવતી સાથે મળી મળી આવ્યા હતા. બાદમાં યુવતીએ સંબધ વધારીને ડી એસ ગઢવી સાથે વોટ્સએપ ચેટમાં પણ વાત કરી હતી. જેના સ્ક્રીન શોટ જે ડી પટેલને આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગઢવીએ ઓફિસમાં શારિરીક સંબધ પણ બાંધ્યા હતા. આમ, આઠ થી દશ સીટીંગના યુવતીને પાંચ હજાર લેખે નાણાં આપી દેવાયા હતા.
હવે પુરતા પ્રમાણમાં ડી એસ ગઢવીને ફસાવવાના પુરાવા મળી જતા કેતકી વ્યાસે તેનો અસલી ખેલ શરૂ કર્યો હતો. જેમાં તેણે જે ડી પટેલને સ્પાય કેેમેરામાં લીધેલા ફુટેજ સાથે મોકલીને ગઢવીને ધમકી અપાવી હતી કે જો તે ફાઇલ ક્લીયર નહી કરે તો આ ફુટેજ ન્યુઝમાં , સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની સાથે બળાત્કારના કેસમાં પણ ફસાવી દઇશું. જો કે કલેક્ટરે આ બાબતે જે ડી પટેલ અને કેતકી વ્યાસને જોઇ લેવાની ધમકી આપતા કેતકી વ્યાસનો ખેલ ઉલ્ટો પડયો હતો અને ડી એસ ગઢવી તે બંને વિરૂદ્વ કાર્યવાહી કરે તે પહેલા તેમને બદનામ કરવા માટે કેતકી વ્યાસે તેના પીએ ગૌતમને વિડીયો ક્લીપને અલગ અલગ પેન ડઇવમાં લઇને ગઢવી વિરૂદ્વના નનામા પત્ર સાથે વિવિધ ન્યુઝ ચેનલોને મોકલી આપી હતી અને ક્લીપ વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે આઇપીસીની કલમ ૩૮૯, ૩૫૪ સી, ૧૨૦ બી અને આઇટી એક્ટની કલમ ૬૬ ઇ, ૬૭ એ હેઠળ ગુનો નોધવામાં આવ્યો છે.
કેતકી વ્યાસના પતિ અમદાવાદ
ગ્રામ્ય પોલીસમાં ડીવાયએસપીના હોદા પર
આણંદના તત્કાલિક કલેક્ટર ડી એસ ગઢવીના ક્લીપકાંડના મુખ્ય માસ્ટર માઇન્ડ ેએડીશનલ
કલેક્ટર કેતકી વ્યાસનો ઇતિહાસ સતત વિવાદાસ્પદ
રહ્યો છે. તે એડીશનલ કલેક્ટરના હોદા પર હોવા છંતાય, તેનો પાવર કલેક્ટરથી
પણ વધારે રહેતો હતો. જો કે ડી એસ ગઢવી તેને
સિનિયોરીટી મુજબ માપમાં રહેવાનું કહેવાની સાથે કેતકી વ્યાસના તમામ વહીવટ બંધ કરાવીને
બીજી લાઇન શરૃ કરી હતી. સુત્રોમા જણાવ્યા મુજબ
કેતકી વ્યાસથી સમગ્ર કલેક્ટર કચેરીનો સ્ટાફ ડરતો હતો. તેમજ આ અંગે ઉચ્ચ કક્ષાએ સ્ટાફ દ્વારા રજૂઆત કરવામાં
આવી હતી. જો કે તેણે તેના પતિ ડીવાયએસપી હોવાનું કહીને સ્ટાફને ખોટા કેસમાં ફસાવી
દેવાની ધમકી આપ્યાનું સુત્રો જણાવી રહ્યા છે.
ચીટનીસ જયેશ પટેલની ઓળખ નાણાં છાપવાના મશીન તરીકે થતી હતી
આણંદ કલેક્ટર ઓફિસમાં વિવાદાસ્પદ જમીનોની ફાઇલ ક્લીયર કરાવવામાં
ચીટનીસ જયેશ પટેલની માસ્ટરી હતી અને તે અલગ અલગ બિલ્ડરો અને પાર્ટીઓ સાથે સીધો સંપર્ક
ધરાવતો હતો. આ માટે તેણે હરીશ ચાવડા જેવા મળતિયાઓ રાખ્યા હતા. જયેશ પટેલની ઓળખ નોટો છાપવાના મશીન તરીકે થતી હતી. જો કે ડી એસ ગઢવીએ તેને સાઇડલાઇન કરી બીજી લાઇન
ચાલુ કરતા તેની આવકમાં બ્રેક પડી હતી અને તેણે જાતે જઇને કલેક્ટર ડી એસ ગઢવીને તેમની
જ ઓફિસમાં ક્લીપ બતાવીને ધમકી આપી હતી.
કેતકી વ્યાસના પીએ ગૌતમ ચૌધરીની ભૂમિકા અંગે પણ તપાસ કરાશે
એડીશનલ કલેક્ટર કેતકી વ્યાસના પીએ ગૌતમ ચૌધરીની ભૂમિકા પણ સમગ્ર પ્રકરણમાં શંકાસ્પદ રહી છે. તેણે પોતાની ઓફિસના કોમ્પ્યુટરમાંથી જ ક્લીપને પેન ડઇવમાં કોપી કરી હતી અને કેતકી વ્યાસની સુચનાથી નનામો પત્ર લખી પેન ડઇવ અને લેટરને કવરમાં મુક્યા હતા. આમ, તે સમગ્ર પ્રકરણ અંગે શરૃઆતથી વાકેફ હોવાથી તેની પણ આ મામલે પુછપરછ થશે. સાથેસાથે પોલીસ તેની ઓફિસના કોમ્પ્યુટરને જપ્ત કરીને તપાસ કરશે.