વણી પાસે કારનું ટાયર ફાટતા એક્ટિવાને અડફેટે લીધું : પિતા-પુત્રનાં ઘટનાસ્થળે મોત
- વિરમગામ-માલવણ હાઈવે પર ગોઝારો અકસ્માત
- અકસ્માત બાદ કારે પલટી ખાતા મોરબીના દંપતિને ઈજા ધ્રાંગધ્રા લગ્નમાં જતા પિતા-પુત્રને અકસ્માત નડયો
વિરમગામ, તા. 13 ડિસેમ્બર, 2020, રવિવાર
અમદાવાદ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગ પર દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે વિરમગામ માલવણ હાઈવે ઉપર વણીગામ પાસે રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.
અમદાવાદ સોનલ સીનેમા રોડ વેજલપુરના રહેવાસી પિતા યાસીનભાઈ - હુસેનભાઈ મલેક ઉ.વ. ૬૦ શાહબાઝ યાસીનભાઈ મલેક ઉ.વ. ૨૫ એકટીવા લઈને અમદાવાદથી લગ્ન પ્રસંગે ધ્રાંગધ્રા જઈ રહ્યા હતા ત્યારે વણી ગામ પાસે કારનું ટાયર ફાટતા ચાલકે ગાડી ઉપરનો કાબુ ગુમાવતા આગળ જઈ રહેલ એકટીવા સાથે અથડાતા પિતા-પુત્ર બન્ને ફગોળાઈ ગયા હતા અને માથાના ભાગે ઈજા થતા ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યા હતા. આઈસર ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં મોરબીના પતિ-પત્ની ઈજાગ્રસ્ત બન્યા હતા. આ બનાવની જાણ પોલીસ થતા મૃતકના પરિવારજનો સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકની લાશનો કબજો લઈ પીએમ અર્થે વિરમગામ મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ અત્રે ઉલ્લેખનીય છે કે શાહબાઝની તાજેતરમાં સગાઈ થઈ હતી અને જાન્યુઆરીમાં લગ્ન હતા.