Get The App

વિદ્યાપીઠના ૧૨મા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતે પદભાર સંભાળ્યો

રાજીનામું આપનાર ટ્રસ્ટીઓ ગેરહાજર રહ્યા

Updated: Oct 22nd, 2022


Google NewsGoogle News
વિદ્યાપીઠના ૧૨મા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતે પદભાર સંભાળ્યો 1 - image

અમદાવાદ

ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે  આચાર્ય દેવવ્રતે આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. વિદ્યાપીઠના ૧૨મા કુલપતિ તરીકે પદભાર સંભાળતા આચાર્ય દેવવ્રતે વિદ્યાપીઠના વિવિધ સ્થળો-ભવનોની મુલાકાત લીધી હતી અને કુલપતિ તરીકે પ્રથમ સંબોધનમાં જણાવ્યું કે વિદ્યાપીઠના ભવ્ય ગાંધી વારસાને જાળવવાની આપણી સૌની જવાબદારી છે. મેં પાંચમા ધોરણ બાદ ગાંધી આશ્રમ સિવાયનું કોઈ વસ્ત્ર પહેર્યુ નથી.

વિવાદ-વિરોધ,નારાજગી-રાજીનામા વચ્ચે અંતે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આજે આચાર્ય દેવવ્રતે આજે પદભાર સંભાળી લીધો છે.પ્રથમ કુલપતિ તરીકે જ્યાં ગાંધીજી રહ્યા હતા ત્યારે આચાર્ય દેવવ્રત વિદ્યાપીઠના ૧૨મા કુલપતિ બન્યા છે. આચાર્ય દેવવ્રત હાલ રાજ્યપાલ હોવા સાથે ગુજરાતની સરકારી યુનિ.ઓના કુલાધિપતિ છે ત્યારે તેઓ હવે વિદ્યાપીઠના કુલપતિ બન્યા છે.આ પ્રસંગે વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળના સભ્યો તેમજ બોર્ડ મેમ્બર તરીકે  જીટીયુના કુલપતિ અને ટીચર્સ યુનિ.ના કુલપતિ પણ હાજર રહ્યા હતા.

જ્યારે રાજીનામુ આપનાર ટ્રસ્ટીઓ હાજર રહ્યા ન હતા અને પ્રથમવાર એવુ બન્યુ છે કે નવા કુલપતિના સ્વાગત સમયે તમામ ટ્રસ્ટીઓ હાજર ન હોય. સરકારના વહિવટ સાથે વિદ્યાપીઠમાં આ નવા પરિવર્તનને લઈને સેવકો-અધ્યાપકો કર્મચારીઓમાં નવી  આશાઓ જન્મી છે.આચાર્ય દેવવ્રતે કુલપતિ તરીકે પ્રથમ સંબોધનમાં જણાવ્યું કે ગૂજરાત વિદ્યાપીઠ એક ભવ્ય વારસો છે. તેની કાળજી રાખવાની જવાબદારી આપણી સૌની છે. આ સંસ્થાના કુલપતિ બનવુ એ મારા માટે સૌભાગ્યની વાત છે. ગાંધીજીના વિચારોએ મારા મન પર ઊંડી હકારાત્મક છાપ છોડી છે.હાઈકોર્ટના આદેશ મુજબ હાલના કુલનાયકને દૂર કરવાની પ્રક્રિયાને લઈને નવા કુલપતિએ જણાવ્યું કે નિયમોનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય થશે.

 

 

       

 

 


Google NewsGoogle News