બોડકદેવ પોલીસ સ્ટેશનની હદમાંં નોંધાયેલા બળાત્કારના કેસમાં યુવતીને સમાધાનનું દબાણ કરીને મારી નાખવાની ધમકી અપાઇ
યુવતીને ધમકી આપીને સમાધાન કરવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યાનું આરોપ
દોઢ મહિના બાદ પણ પોલીસ આરોપીઓની ધરપકડ ટાળવા પ્રયાસ કરતી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો
આરોપી રવિ પટેલ
અમદાવાદ,
રવિવાર
શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં દોઢ મહિના પહેલા એક યુવતીએ ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ દુષ્કર્મ, ધાક ધમકી અને એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસ પાસે આરોપીઓ વિરૂદ્ધ મહત્વના પુરાવા અને તેમના લોકેશન હોવા છતાંય, ધરપકડ નહી કરીને આરોપીઓને કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવા માટે જાણી જોઇને સમય આપવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદી યુવતી દ્વારા કરવામાં આવ્યો છે. એટલું જ નહી આ કેસમાં યુવતીને ધમકી આપીને સમાધાન કરવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યાનું આરોપ યુવતીએ મુક્યો છે. શહેરના સરસપુર વિસ્તારમાં રહેતી ૨૯ વર્ષીય યુવતીએ આશરે દોઢ મહિના પહેલા બોડકદેવ પોલીસ મથકે રવિ ઉર્ફ હર્ષ પટેલ, તેનો ભાઇ સાવન પટેલ (બંને રહે.મધુવન બંગ્લોઝ, સોલા સાયન્સ સીટી) અને ભરત પટેલ (રહે. રત્નમણી ફ્લેટ, સાયન્સ સીટી રોડ, સોલા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેને વર્ષ ૨૦૦૯માં એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી મીસ્ડ કોલ આવ્યો હતો. જેેના પર કોલ કર્યા બાદ કોલ કરનારે તેનું નામ રવિ ઉર્ફે હર્ષ પટેલ જણાવ્યું હતું. તે પછી બંને વચ્ચે મિત્રતા થતા અવારનવાર મળતા હતા. પરંતુ, રવિએ ગેરવર્તન કરતા યુવતીએ રવિ સાથે સંબધ કાપી નાખ્યો હતો. આ સમયે રવિએ તેને ધમકી આપી હતી કે હુ તારા લગ્ન બીજે નહી થવા દઉ અને થશે તો આપણા સંબધો જાહેર કરીને બદનામ કરી દઇશ. તારે મને મળવા આવુ પડશે. તેમ કહીને તેને તાજ હોટલ પાસે આવેલી એક હોટલમાં બોલાવીને તેની સાથે શારિરીક સંબધો બાધ્યા હતા. તે પછી યુવતીને ધમકી આપી હતી કે તારે મારી સાથે આ રીતે સંબધ રાખવા પડશે. જેથી યુવતીએ મળવાનું બંધ કરતા તેણે જાતિવિષયક શબ્દો કહીને ધમકી આપવાની સાથે બ્લેકમેઇલ કરીને એક કાફેમાં જમવા માટે બોલાવી હતી. જ્યાં રવિના ભાઇ સાવન પટેલે લગ્ન નહી થાય તેમ કહીને માર માર્યો હતો. તે પછી રવિએ એક દિવસ કારને એક કાફેના પાર્કિગમાં મુકીને યુવતીને કારમાં બોલાવીને પણ દુષ્કર્મ આચરીને માર માર્યો હતો.આ સમયે તેનો મિત્ર ભરત પટેલ બહાર વોચ રાખવા ઉભો હતો. ત્યારબાદ યુવતીને મળવા માટે બોલાવીને ધમકી આપવામાં આવતી હતી. એટલુ જ નહી યુવતીએ કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આ કેસમાં છેલ્લાં દોઢ મહિનાથી ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા નક્કર કામગીરી થતી ન હોવાનો અને આરોપીઓને કોર્ટમાં આગોતરા જામીન લેવા માટે સમય મળે અને યુવતી દ્વારા સમાધાન કરવામાં આવે તે માટે ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ યુવતી દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓેને રજૂઆત પણ કરવામાં આવી છે.