બે મંત્રીઓના ખાતા છીનવાયા, મહેસૂલ હર્ષ સંઘવી પાસે, માર્ગ-મકાન જગદીશ પંચાલને
- પોતાના વિભાગના નબળાં પરફર્મન્સનો ભોગ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી બન્યાં, કેબિનેટનો દરજ્જો ખુદ મુખ્યમંત્રીએ રાખ્યો
- એક ફોન અને મંત્રીઓના ખાતા પરત લેવાયા
ગાંધીનગર : ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના બે સિનિયર અને કેબિનેટ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ તેમજ પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ-મકાન વિભાગનો હવાલો પાછો લઇ લેવામાં આવ્યો છે. આ બન્ને સભ્યોના રાજ્યકક્ષાના હવાલા બે મંત્રીઓને આપવામાં આવ્યા છે.
સરકારે કરેલા ફેરફાર પ્રમાણે મહેસૂલ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીનો હવાલો હર્ષ સંઘવીને તેમજ માર્ગ-મકાનનો હવાલો રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલને આપવામાં આવ્યો છે. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે કેબિનેટના સભ્યોને ફાળવેલા વિભાગોમાં નબળાં પરફોર્મન્સના કારણે બે સિનિયર મંત્રીઓના વિભાગોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિધાનસભાની આવનારી ચૂંટણીને ધ્યાને રાખીને આ બન્ને વિભાગનો કેબિનેટનો દરજ્જો ખુદ મુખ્યમંત્રીએ તેમની હસ્તક રાખ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને 341 દિવસ થયાં છે ત્યારે કેબિનેટના વિભાગોમાં આ ફેરફાર થયાં છે. તેઓ 13મી સપ્ટેમ્બર 2021માં મુખ્યમંત્રી બન્યા હતા. મહેસૂલ વિભાગ છીનવાયો છે તેવા કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસે હાલ મહેસૂલ ઉપરાંત ડીઝાસ્ટર મેનેજમેન્ટ, કાયદો અને ન્યાય તેમજ પાર્લામેન્ટરી અફેર્સ વિભાગનો હવાલો છે.
એવી જ રીતે પૂર્ણેશ મોદી પાસે માર્ગ અને મકાન ઉપરાંત ટ્રાન્સપોર્ટ, સિવિલ એવિયેશન, ટુરિઝમ અને યાત્રાધામ વિકાસનો હવાલો છે. જેમને વિભાગો ફાળવાયા છે તેવા રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મહેસૂલ વિભાગનો રાજ્યકક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે, જ્યારે જગદીશ પંચાલને માર્ગ-મકાનનો રાજ્યકક્ષાનો હવાલો આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 24 સભ્યોની કેબિનેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે સૌથી વધુ વિભાગોની જવાબદારી છે. મુખ્યમંત્રી પાસે મહત્વના કહી શકાય તેવા ઉદ્યોગ, જીએડી, ગૃહ, અર્બન ડેવલપમેન્ટ, નર્મદા, પોર્ટ્સ અને અન્ય જવાબદારી યુક્ત વિભાગો છે જેમાં મહેસૂલ અને માર્ગ-મકાનનો વધારો થયો છે.
બન્ને મંત્રીઓ ચર્ચામાં રહી ચૂક્યાં છે...
રાજ્ય કેબિનેટની બેઠકના બે મંત્રીઓના વિભાગો છીનવી લેવાયા છે ત્યારે આ બન્ને લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનેલા છે. મહેસૂલ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ જિલ્લા કલેક્ટર ઓફિસોમાં જઇને સરપ્રાઇઝ વિઝિટ લીધી છે અને કેટલાય ઓફિસરોની બદલી કરી તેમની સામે પગલાં લીધા છે, જ્યારે માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ ગુજરાતના માર્ગોમાં ખાડા પૂરવા તેમજ તૂટેલા માર્ગોના સમારકામ માટે પોતાની એપ્લિકેશન બનાવી લોકોને ફરિયાદો કરવાનું જણાવ્યું છે.
હાઇકમાન્ડના ઇશારે ફેરફારનો નિર્ણય...
ગુજરાતની કેબિનેટમાં એવા ઘણાં મંત્રીઓ છે કે જેઓ તેમના વિભાગમાં નિરૂત્સાહી જોવા મળે છે. પોતાના વિભાગોનું પરફોર્મન્સ તેઓ આપી શકતા નથી. કેબિનેટની છેલ્લી બેઠકમાં મુખ્યમંત્રીએ તેમના સાથી સભ્યોને પરફોર્મન્સ આપવાની તાકીદ કરી હતી, જેના ભાગરૂપે મંત્રીઓના વિભાગોમાં આ ફેરબદલ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી હાઇકમાન્ડના ઇશારે આ ફેરફાર કરવામાં આવ્યો હોય તેવું પણ ચર્ચાઇ રહ્યું છે. અચાનક વિભાગો છીનવાઇ જતાં કેબિનેટના અન્ય સભ્યોને પણ ફાળ પડી છે.
બીએલ સંતોષ આવે તે પહેલાં ફેરફાર...
વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ ગુજરાત આવે તે પહેલાં આ ફેરફારો સૂચક છે. ભાજપની વ્યૂહરચનાને લઇ આવતીકાલે સીઆર પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં મહત્વની બેઠક છે ત્યારે તેમાં કેબિનેટના સભ્યોના પરફોર્મન્સને લઇને ચર્ચા થવાની અને હજી વધુ ફેરફારો થવાની સંભાવના છે.
વડતાલ ધામમાં સીઆર પાટીલ અને પૂર્ણેશ મોદી એક કાર્યક્રમમાં સાથે હતા ત્યારે વચ્ચે પ્રાઇમ મિનિસ્ટરનો ફોન આવ્યો હતો અને મોડી સાંજે બે મંત્રીઓના વિભાગોમાં ફેરફાર કરાયો....