પીઆઇ જાડેજા અને હરદિપસિંહે ધમકી આપ્યાનો ફરિયાદીનો વિડીયો વાયરલ

સાયબર ક્રાઇમના એલઆરડીના ત્રણ લાખની લાંચ કેસનો મામલો

વાયરલ વિડીયોના આધારે લાંચ કેસમાં સાયબર ક્રાઇમના પોલીસ ્અધિકારીની સંડોવણી અંગે તપાસ શરૂ કરીઃ એલઆરડી જવાનના ચાર દિવસના રિમાન્ડ

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
પીઆઇ જાડેજા અને  હરદિપસિંહે ધમકી આપ્યાનો ફરિયાદીનો વિડીયો વાયરલ 1 - image

અમદાવાદ,શુક્રવાર

સાયબર ક્રાઇમ સેલના એલઆરડી દ્વારા રૂપિયા ત્રણ લાખની લાંચ માંગવાના કેસમાં નવો વંળાક આવ્યો છે.  એલઆરડી વિરૂદ્વ ફરિયાદ નોંધાવનાર વ્યક્તિનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં એલઆરડી હરદિપસિંહ પરમાર અને તેના અધિકારી પીઆઇ જાડેજા પર ગંભીર આક્ષેપ કરે છે કે બંને જણા તેને અરજીની તપાસમાં ગુનો નોંધીને તેને કેસમાં ફીટ કરીને  છ લાખ રૂપિયા લીધા બાદ પણ સતત નાણાંની માંગણી કરે છે.  જે વિડીયોના આધારે લાંચ કેસમાં સાયબર સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પર લાગેલા આરોપને લઇને પણ  એસીબીએ તપાસ શરૂ કરી છે. બીજી તરફ એલઆરડી જવાન હરદિપસિંહના ચાર દિવસના રિમાન્ડ મેળવીને પુછપરછ આદરી છે. અમદાવાદ સાયબર સેલમાં રાકેશ ત્રિવેદી નામના વ્યક્તિ વિરૂદ્વ  છેતરપિંડીની અરજી  કરવામાં આવી હતી. જે કેસની તપાસમાં એલઆરડી જવાન હરદિપસિંહ પરમાર દ્વારા રાકેશ ત્રિવેદીને મળીને તેના વિરૂદ્વ ગુનો નહી નોંધવા અને તેનું ફ્રીઝ કરાયેલું ેફેડરલ બેંકનું એકાઉન્ટ અનફ્રીઝ કરવાના બદલામાં ૧૦ લાખની માંગણી કરવામાં આવી હતી. જે પૈકી તબક્કાવાર સાત લાખની રકમ પડાવી લીધી હતી. બાકીના ત્રણ લાખ રૂપિયા લેવા માટે રાકેશ ત્રિવેદી પર દબાણ કરવામાં આવતું હતું.  જે અંગે એસીબીમાં ફરિયાદ થતા ગુરૂવારે હરદિપસિંહને રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપી લેવાયો હતો. જેના ચાર દિવસના રિમાન્ડ મેળવીને એસીબીએ તપાસ શરૂ કરી છે. બીજી તરફ રાકેશ ત્રિવેદીનો એક વિડીયો વાયરલ થયો છે. જેેમાં તે  સ્પષ્ટ જણાવે છે કે પોલીસ અને બીજા બધા તંત્ર પૈસાની માંગણી કરીને હેરાન કરે છે. મારી એક ભૂલના કારણે હેરાન કરી રહ્યા છે. હરદિપસિંહ અને તેના ઉપરી અધિકારી જાડેજા સાહેબ મારી સાથે રૂ.૧૦ લાખની માંગણી કરે છે. અત્યાર સુધી ટુકડે ટુકડે છ લાખ રૂપિયા આપી ચુક્યો છું. હજુ પણ મારા ઘરે આવીને મારવાની, કેસ કરવાની ધમકી આપીને પૈસા માંગી રહ્યા છે. મારી પાસે કશુ જ નથી. કઇ થાય તેમ નથી. જે બદલ હું જીવન ટુંકાવી  રહ્યો છું. આ બધાના જવાબદાર હરદિપસિંહ અને જાડેજા સાહેબ છે. મને આમાથી મુક્તિ અપાવો. આ વિડીયો વાયરલ થતા સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા સિનિયર અધિકારીઓની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે. જેથી લાંચ કેસની તપાસ કરી રહેલી એસીબીના અધિકારીઓએ વિડીયો ક્લીપમાં એલઆરડી જવાનની સાથેસાથે પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા પર કરવામાં આવેલા આક્ષેપ અંગે પણ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ સાયબર ક્રાઇમમાં અરજીને આધારે માંગવામાં આવતા નાણાંને લઇને પોલીસની કામગીરીને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.


Google NewsGoogle News