એસીબી રાજકોટ ટાઉન પ્લાનીંગ વિભાગના ૧૫થી વધુ કર્મચારીઓની તપાસ કરશે
રાજકોટના ટાઉન પ્લાનીંગ ઓફિસર વિરૂદ્વ અપ્રમાણસર મિલકતોના ગુના બાદ વધુ ખુલાસા થવાની શક્યતા
મનસુખ સાગઠિયા સ્થાનિક સ્ટાફ અને વહીવટદારોની મદદથી ભ્રષ્ટ્રાચાર આચરતો હોવાની એસીબીની કડી મળીઃ તપાસ માટે વિશેષ ટીમ બનાવવામાં આવી
અમદાવાદ,
બુધવાર
રાજકોટના ટીઆરપી ગેમઝોનના આગકાંડના આરોપી અને ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠિયા પાસેથી ૧૦ કરોડથી વધારેની અપ્રમાણસર મિલકતો મળી આવવાને મામલે એસીબીએ તપાસ શરૂ કરી છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગના ૧૫થી વધુ કર્મચારીની સાંઠગાંઠ હોવાની કડી મળી છે. જેના આધારે ગૃહ વિભાગ દ્વારા એસીબીના વડાને વિશેષ ટીમ બનાવીને શંકાના ઘેરાવામાં રહેલા કર્મચારીઓની યાદી તૈયાર કરીને તપાસ શરૂ કરવા આદેશ અપાયો છે. જેમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટના ટીઆરપી ગેમઝોનમના મુખ્ય આરોપીઓ પૈકીના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠિયા વિરૂદ્વ અપ્રમાણસર મિલકતોનો ગુનો નોંધાયા બાદ એસીબીએ દ્વારા ટાઉન પ્લાનીંગ વિભાગના કેટલાંક કર્મચારીઓ રડાર પર રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે. એસીબીને ચોક્કસ માહિતી મળી છે કે મનસુખ સાગઠિયા તેના વિભાગના જ કેટલાંક કર્મચારીઓ અને ખાનગી વહીવટદારોની મદદથી સમગ્ર કૌભાંડ આચરતો હતો. જેથી મનુસખ સાગઠિયા સાથે અન્ય સ્ટાફને પણ ભ્રષ્ટ્રાચારના નાણાં મોટા પ્રમાણમાં મળતા હતા. એસીબીને સાગઠિયા સાથે સંકળાયેલા કેટલાંક કર્મચારીઓની માહિતી પણ મળી છે. જે સંદર્ભમાં ગૃહવિભાગે એસીબીના વડાને રાજકોટ ટાઉન પ્લાનીંગ વિભાગ સાથે સંકળાયેલા ૧૫થી વધુ કર્મચારીઓના મિલકતોની તપાસ કરવા માટે સુચના આપી છે. આ માટેની કાર્યવાહી કરવા માટે ડેપ્યુટી ડાયરેક્ટરના સુપરવિઝનમાં તપાસ કરવા માટે વિશેષ ટીમ બનાવવામાં આવશે. એસીબીના સુત્રોના જણાવ્યા મુજબ કેટલાંક કર્મચારીઓ આગકાંડ બાદ રજા પર ઉતરી ગયા હતા અને તેમની હરકત શંકાસ્પદ જોવા મળી હતી. તેમજ સાંગઠિયાના મોબાઇલની તેમજ કોલ ડીટેઇલ રેકોર્ડની તપાસમાં કેટલાંક કર્મચારીઓ સાથેની સક્રિય સાંઠગાંઠ હોવાની વિગતો મળી છે. આમ, આગામી દિવસો રાજકોટ મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગમાં મોટાપાયે ચાલતા ભ્રષ્ટ્રાચારના ચોંકાવનારા તથ્યો બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.