AMCના વોર્ડ ઇન્સ્પેક્ટરની અપ્રમાણસર મિલકત મામલે ધરપકડ

રૂપિયા ૨.૭૫ કરોડની અપ્રમાણસર મિલકતો મળી હતી

એસીબીની તપાસમાં વધુ ૪૦ લાખની સંપતિ મળી આવી પુછપરછમાં ભ્રષ્ટ્રાચારને લગતા મોટા ખુલાસાની શક્યતા

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
AMCના વોર્ડ ઇન્સ્પેક્ટરની અપ્રમાણસર મિલકત મામલે ધરપકડ 1 - image

અમદાવાદ, ગુરુવાર 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરેશનના  શાહપુર વોર્ડના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા સામે એસીબીએ આવક કરતા વધારે ૨.૭૫ કરોડની સંપતિનો ગુનો નોંધ્યો હતો. જે સંદર્ભમાં વોર્ડ ઇન્સ્પેક્ટર નાસતો ફરતો હતો અને  આગોતરા જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજી નકારવામાં આવતા અંતે ગુરૂવારે એસીબીએ  વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણાની ધરપકડ કરવામાં આવી છે.  સુનિલ રાણાની પુછપરછમાં ભ્રષ્ટ્રાચારને લગતા અનેક ખુલાસા થવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના શાહપુર વોર્ડના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા વિરૂદ્વ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ગત ૨૯મી જાન્યુઆરીના રોજ  રૂપિયા ૨.૭૫ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો.  અપ્રમાણસર આવક તેમની કુલ આવક કરતા ૩૦૬ ગણી વધારે હતી.  આ ઉપરાંત, પ્રાથમિક તપાસમાં વધુ  ૪૦ લાખની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. એસીબીમાં ગુનો નોંધાયા બાદ સુનિલ રાણા નાસતા ફરતો હતો.  સાથેસાથે તેણે સીટી સેશન્સ કોર્ટ અને  ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી  દાખલ કરી હતી. જે નકારી કાઢવામાં આવી હતી. જે બાદ ગુરૂવારે સુનિલ રાણાની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


Google NewsGoogle News