બી જે ઠેબાએ સગા-સંબધીના નામે ૧૦થી વધુ પ્લોટ ખરીદી કર્યા હતા
ડેપ્યુટી ફાયર ઓફિસરની પુછપરછમાં ખુલાસો
એસીબીને તપાસ દરમિયાન મળી આવેલા ૧૭ બેંક એકાઉન્ટ સીઝ કરાશેઃ અનેક લોકર રાખ્યા હોવાનું ખુલ્યું
અમદાવાદ,શુક્રવાર
રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડમાં સંડોવાયેલા રાજકોટ ફાયરબ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઇ ઠેબા વિરૂદ્વ અપ્રમાણસર મિલકતોનો ગુનો નોંધ્યા બાદ એસીબી દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં તેણે ગોંડલ, રાજકોટ અન્ય સ્થળોેએ ૧૦થી વધુ પ્લોટ ખરીદી કર્યા હતા. તેમજ ભ્રષ્ટ્રાચારના નાણાંની લેવડ-દેવડ કરવામાં આવી હતી તેવા ૧૭ જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. આ ઉપરાંત, કેટલાંક લોકર હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે એસીબી દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ ફાયર વિભાગ ડેપ્યુટી ફાયર ઓફિસર બી જે ઠેબા સહિતના અનેક સ્ટાફની રાજકોટ ગેમ ઝોન આંગકાંડમાં બહાર આવી હતી. જે બાદ બી જે ઠેબાના ભ્રષ્ટ્રાચારની અનેક વિગતો સામે આવી હતી. જેના આધારે એસીબીએ વિશેષ ટીમ બનાવીને તપાસ કરતા તેમની પાસે ૭૯ લાખ જેટલી અપ્રમાણસર મિલકતો મળી આવતા ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ કરવામાં આવેલી તપાસ અનેક ખુલાસા થયા હતા. એસીબીને તેમના ઘરે અને અન્ય સ્થળો પરથી ૧૦ વધુ જમીનના પ્લોટના દસ્તાવેજ મળી આવ્યા હતા. આ પ્લોટ રાજકોટના ગીતાનગર, ગોંડલ અને રાજકોટ હાઇવે પર તેમની પત્ની જુબેદા,પુત્રી નિલોફર અને પુત્ર નજીમના નામે ખરીદી કર્યા હતા. આ ઉપરાંત, વિવિધ બેંકોમાં ૧૭ જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. જે એકાઉન્ટ ફ્રીઝ કરીને તપાસ કરવામાં આવી રહી છે. તેમજ કેટલાંક લોકર પણ હોવાનું સામે આવ્યું છે. એસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઠેબા અને તેમનો પરિવાર અવારનવાર વિદેશ જતો હતો. તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ એસીબીએ તેમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે.