ગાંધીનગર સ્થિત ગુજરાત ઇર્ન્ફોમેટીક્સ લીમીટેડના પૂર્વ એક્ઝી. એકાઉન્ટન્ટ રૂચિ ભાવસાર વિરુદ્વ કાર્યવાહી
રૂચિ ભાવસાર પાસેથી પાસેથી રૂ.૪.૦૭ કરોડની અપ્રમાણસર મિલકતો મળી
સરગાસણમાં બે પેન્ટહાઉસ, કોબામાં કરોડો રૂપિયાની કિંમતનો પ્લોટ અને ચાર ગાડીઓમાં રોકાણ મળ્યું ઃ ૬૫ લાખની આવક સામે કરોડોનું રોકાણ
અમદાવાદ,
શુક્રવાર
ગાંધીનગર કર્મયોગી ભવનમાં આવેલી ગુજરાત સરકારના મહત્વના આઇટી પ્રોજેક્ટ સાથે સંકળાયેલી ગુજરાત ઇર્ન્ફોમેટીંક્સ લીમીટેડના તત્કાલિન એક્ઝીક્યુટીવ એકાઉન્ટન્ટ રૂચિ ભાવસાર વિરૂદ્વ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતોનો ગુનો નોંધવામાં આવ્યો છે. રૂચિ ભાવસારે તેમની ફરજના છ વર્ષ દરમિયાન વિવિધ રીતે ભ્રષ્ટ્રાચાર કરીને તેમની સત્તાવાર ૬૫ લાખની આવકની સામે રૂપિયા ૪.૦૭ કરોડની આવક મેળવી હતી. જે સત્તાવાર આવક કરતા ૬૨૪ ટકા વધારે હતી. આ અંગે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓને અરજી મળી હતી કે ગુજરાત ઇર્ન્ફોમેટીક્સ લીમીટેડના તત્કાલિન એક્ઝીક્યુટીવ એકાઉન્ટન્ટ રૂચિ ભાવસારે તેમની ફરજ દરમિયાન ભ્રષ્ટ્રાચાર આદરીને મોટાપાયે નાણાંકીય ઉચાપત કરી છે. જે અરજીને આધારે એસીબીએ રૂચિ ભાવસારના જીઆઇએલમાં મે ૨૦૧૭થી મે, ૨૦૨૨ સુધીના સમયગાળા તેમની સત્તાવાર આવક અને તેમણે કરેલા રોકાણ અને અન્ય ખર્ચ અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં રૂચિ ભાવસાર અને તેમના પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટ અને મિલકતો અંગે ફોરેન્સીક ઓડિટ કરવામાં આવ્યું હતું. આ ઓડિટમાં જાણવા મળ્યું હતું રૂચિ ભાવસારે તેમના હોદાનો દુરઉપયોગ કરીને તેમની સત્તાવાર ૬૫.૩૧ લાખની આવકની સામે ૪.૦૭ કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું રોકાણ વિવિધ મિલકતોમાં કર્યું હતું. જે તેમની આવક કરતા ૬૨૪ ટકા વધારે હતી. ભ્રષ્ટ્રાચારના નાણાંનો ઉપયોગ કરીને તેમણે ગાંધીનગર સરગાસણમાં સિદ્વરાજ ઝેડ પ્લસમાં બે પેન્ટ હાઉસ, કોબામાં આવેલી મનોરમ્ય રીટ્રીટ સોસાયટીમાં ૩૭૫ વારનો પ્લોટ અને ચાર કાર વસાવી હતી. આ અંગે એસીબીએ રૂચિ ભાવસાર વિરૂદ્વ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. એસીબી આગામી સમયમાં તમામ મિલકતો સીલ કરવાની સાથે અન્ય બંક એકાઉન્ટ અને અન્ય મિકલતો અંગે પણ તપાસ કરશે.